CBIએ ગોધરામાં NEET ઉમેદવારો અને શાળાના શિક્ષકના નિવેદન નોંધ્યા, જાણો અહીં શું થયું

NEET-UG પરીક્ષામાં ગેરરીતિઓની તપાસ કરી રહેલી CBI ટીમે ગુરુવારે ત્રણ ઉમેદવારોના નિવેદનો નોંધ્યા હતા જેમણે ગુજરાતના ગોધરા નજીકની એક ખાનગી શાળામાં આયોજિત પરીક્ષામાં મદદ કરવા બદલ આરોપીને પૈસા ચૂકવ્યા હતા. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ પરીક્ષાર્થીઓ અને તેમના માતા-પિતા ઉપરાંત, તપાસકર્તાઓ ગોધરા સર્કિટ હાઉસમાં સ્થાનિક જય જલારામ સ્કૂલના માલિકની પણ પૂછપરછ કરી રહ્યા છે. 5 મેના રોજ યોજાયેલી પરીક્ષા દરમિયાન થયેલી કથિત ગેરરીતિઓની તપાસ માટે CBIની એક ટીમ છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં રોકાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે નીટની પરીક્ષા દિક્ષિત પટેલની શાળામાં પણ લેવામાં આવી હતી. ટીમે તેની તપાસના ભાગરૂપે ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લામાં આવેલી બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી હતી. CBIના અધિકારીઓએ સૌપ્રથમ ખેડા જિલ્લાના સેવાલિયા-બાલાશિનોર હાઈવે પર આવેલી જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલ અને બાદમાં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ સ્કૂલની મુલાકાત લીધી હતી. પટેલ એકબીજાથી 100 કિલોમીટરના અંતરે આવેલી આ બંને શાળાના માલિક છે. ગોધરા પોલીસે 8 મેના રોજ ત્રણ લોકો સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને વિશ્વાસભંગનો આરોપ મૂકીને IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

Social