આશીર્વાદ ની તાકાત

આપણે ત્યાં હંમેશા સત્કર્મ અને સેવા નું ખૂબ મોટું મહત્વ રહેલું છે.ઈતિહાસ માં કેટલાય મહાપુરુષો સેવા થકી અમરપદ ને પામ્યા છે. જલિયાણ જોગી શ્રી જલારામબાપા, સત્ શ્રી દેવીદાસ બાપુ, શ્રી દાદા મેકરણ થી લઈ શ્રી બજરંગદાસ બાપા (બગદાણા) અને શ્રી મુનિ બાપુ સુધી આવો તો આ મહાપુરુષો સેવા નો પર્યાય બની પોતાનું આખું જીવન સમાજ માટે સમર્પિત કરી દીધું. જલારામબાપા ને કોઈ એ એક દિવસ પૂછ્યું કે બાપા તમે આ ભૂખ્યા માટે ભોજન સેવા કરો છો તો તમને શું મળે? ત્યારે જલારામબાપા એ હસતાં મુખે એટલું જ કહ્યું કે વ્હાલા ટુકડો ત્યાં હરિ ઢુકડો ભૂખ્યા ને ભોજન કરાવુ છું તો મારી અંદર બેઠેલો રામ રાજી થાય છે. અને કહે છે કે જેની પર રામ રાજી હોય ત્યાં રોજ દિવાળી ત્યારે આજ ના લેખ મા કોઈ ની સેવા થકી મેળવેલા આશીર્વાદ શું ન કરી શકે એની વાત કરવી છે.
એક ગામડા ગામનો અભણ યુવાન ઉનાળાના દિવસોમાં સેવા ના ભાવ સાથે વગડા માં પાણી ની પરબ ખોલે છે. રસ્તા માં આવતા જતા મુસાફરો પાણી પીને ટાઢક વળતાં . આ પરબ ઉપર રોજ અજાણ્યા ચાર જણા આવે છે. પાણી પીવે, થાક ઉતરે ત્યાં સુધી પેલા યુવાન સાથે વાતો કરે અને પછી જતા રહે. આ રોજ નો ક્રમ બની ગયો.એક દિવસ પેલો યુવાન પૂછે છે કે મિત્રો તમે રોજ મારે ત્યાં આવો છો, પાણી પીવો છો,વાતો કરો છો અને જતા રહો છો. તો મને એટલું તો બતાવો કે તમે કોણ છો? ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો? પેલા ચારે જણ ક્હે છે કે દોસ્ત અમારી ઓળખાણ કાઢવી રહેવા દે.પેલો યુવાન આગ્રહ કરે છે કે ના, તમે તમારી ઓળખાણ આપો. પેલા લોકો ક્હે છે કે દોસ્ત કાળજું કઠણ કરી ને સાંભળ અમે યમના દૂતો છીએ. હેં..? તો કહે હા અમે યમના દૂતો છીએ અને રોજ જીવને લેવા જઇએ છીએ. વાત સાંભળતા યુવાન ક્હે છે કે ભાઈ તમે મારૂં એક કામ કરશો? દૂતો કહે છે કે ભાઈ રોજ તારૂં પાણી પીએ, તારી સાથે વાતો કરીએ અને તારૂં કામ કેમ ના કરીએ? યુવાન કહે છે કે દોસ્તો મારે મારૂં મૃત્યુ જાણવું છે. તમે કાલે આવો ત્યારે મારૂં મૃત્યુ જાણતા આવજો ભલે કહીને દૂતો જતા રહયા.બીજા દિવસે દૂતો આવી ને કહે છે કે દોસ્ત તારૂં મૃત્યુ તારી પરણ્યાની પહેલી રાત્રીએ સર્પ દંશ થી થશે. આટલું બોલતાં દૂત રડી પડ્યો. પેલો યુવાન ક્હે છે ભાઈ તું કેમ રડે છે? દૂત ક્હે છે મિત્ર તને કરડવા માટે નો સાપ બનવાનો મારો વારો છે. યુવાન પૂછે છે કે મિત્રો મૃત્યુ થી બચવું હોય તો કંઈ રીતે બચી શકાય? દૂતો કહે છે કે ભાઈ મૃત્યુ એ દુનિયા નો અટલ નિયમ છે.વિધાતા ના લેખ ને કોઈ રોકી ના શકે તેમ છતાં તું લગ્ન જ ના કરે તો કદાચ બચી શકે.
આ બાજુ યુવાન નાં લગ્ન ની વાતો ચાલે છે.યુવાન લગ્ન કરવાની ના ક્હે છે. પરંતુ માની મમતા અને પિતા ના પ્રેમ આગળ યુવાન ને ઝૂકવું પડે છે. યુવાન નાં લગ્ન થાય છે પરણ્યા ની પહેલી રાત્રિ એ પોતાની દુલ્હન ને મળવા જાય છે. નવોઢા અન્ન નાં થાળ રાંધી ને મેડી ઉપર પોતાના પતિ ની આવવાની રાહ જોઈને બેઠી છે.યુવાન અડધો દાદર ચડ્યો ત્યાં પેલો દૂત સાપ બની ને બેઠો છે.યુવાને આવીને દૂત ને કીધું તું મને જલ્દી ડંખ મારી ને તારી ફરજ પુરી કર. સાપ ક્હે છે ભાઈ તારા મૃત્યુ ને હજી અડધા કલાકની વાર છે.હું તને અત્યારે કરડીશ તો તારે અડધો કલાક વધારે દુઃખી થવું પડશે. એના કરતાં હું અડધા કલાક પછી તને ડંખ મારૂ જેથી કરીને તારે દુઃખી ના થવું પડે.આ બન્ને ની વાત પેલી નવોઢા ઉપરના ઓરડામાં સાંભળે છે.નવોઢા જાણી ગઇ કે મારો પતિ ઓરડા સુધી પહોંચવાનો નથી.
એવામાં ગામના પાદરમાં કોઇ ગરીબ મજૂરો આવીને પડેલા છે.અડધી રાત્રિ એ એક મજૂરની સ્ત્રી ને પ્રસુતિ ની પીડા ઉપડે છે. બાળકનો જન્મ થાય છે.પેલી સ્ત્રી પોતાના પતિ ને ક્હે છે કે મને જલ્દી ખાવાનું લાવી આપો મને પેટમાં વાઢ ઉપડી છે તમે જલ્દી ખાવાનું લાવો નહિંતર હું મરી જઈશ જઈશ.પુરૂષ કહે છે કે આ અજાણ્યા ગામમાં અડધી રાત્રિ એ મને ખાવાનું કોણ આપશે? સ્ત્રી આશ્વાસન આપે છે કે તમે જાવ તો ખરા કોઇ દયાળું મળી જશે.પુરુષ ઊભી બજારે અડધી રાત્રિ એ પોકાર કરે છે કે કોઇ દયાળું છે? કોઇ હરિનો લાલ છે જે મારી પત્નીનું અન્ન થી પેટ ઠારે? આ પોકાર મેડી ઉપર નવોઢા નાં કાને પડે છે. નવોઢા ને થાય છે કે થોડીવારમાં પતિ મૃત્યુ પામવાનો છે. આ અન્ન ના થાળ, આ શણગાર થોડીવાર માં રોળાઇ જવાના છે.બારીમાં સાડી બાંધી ને પેલું અન્ન એ સાડીમાં લપેટીને પુરુષ ને આપે છે. પુરુષ પોતાની સ્ત્રી ને આપે છે. સ્ત્રી ના પેટનો ખાડો પુરાણો અને નાભીમાંથી આશીર્વાદ નીકળ્યાકે હે પરમાત્મા મારૂં પેટ ઠારનાર નું પેટ ઠારજો. એનો ચુડી ચાંદલો અમર રાખજો. એનું સૌભાગ્ય અખંડ રાખજો. આશીર્વાદ નો ધોધ યમરાજા ના ચોપડા મા કંડારાઇ ગયો.
આ બાજું સમય પુરો થયો એટલે સાપ ડંખ મારે છે.પરંતુ યુવાન ને કંઇ થતું નથી.દૂત અનેક પ્રયાસ કરે છે છતાં યુવાન ને ઝેર ચડતું નથી.દૂત દોડતો યમરાજ પાસે આવી ને ક્હે છે કે પ્રભુ આપણી કાંઇક ભુલ થાય છે.પેલા યુવાન ને ઝેર ચડતું નથી અને નથી એનું મૃત્યુ થતું. યમરાજ ચોપડો ખોલી ને જુવે છે અને દૂતને ક્હે છે તારે માત્ર એક સેકન્ડનો ફેર પડી ગયો. તારા ડંખ ના પહેલાં ગરીબ બાઇ ના આશીર્વાદ પહોંચી ગયા.તું કે હું હવે એને મારી નહીં શકીએ.
કોઇની સેવા, કોઇ ભૂખ્યા માણસના આશીર્વાદ અને દુવા શું ના કરી શકે? કોઇના આત્મા ને ઠારવાનું કામ વિધાતાનાં વિધાનને ખોટા પાડી શકે છે. જીવનમાં જ્યારે મોકો મળે ત્યારે કોઇની દુવા લેવાનું ચૂકશો નહીં. દુવા અને આશીર્વાદ માં બહુ તાકાત છે. ગમે તેવા સંકટો અને મુસીબતો આશીર્વાદથી ટળી જાય છે.અને કોઇની બદદુવા કે કોઇના આત્માને બાળવાનું કામ તમારા ગમે તેવા સુખ કે સામ્રાજ્ય ને ઘડી ના છઠ્ઠા ભાગમાં નામશેષ કરી શકે છે.માટે જીવનમાં હમેશા ભલાઇ કરવી ભલાઇ ભલભલા સંકટ ને દૂર કરે છે. અને એમ છતાં ભલાઈ ન કરી શકો તો કંઈ નહીં પણ કોઈ નું અહિત તો કરવુ જ નહીં. આશીર્વાદ વિધિના વિધાન અને ઇશ્વરના ચોપડા ને પણ ખોટા પાડી શકે છે. માટે સત્કર્મ કરી આશીર્વાદ મેળવતા રહો.

Social