અતિશય વિકાસની દોટ ક્યાંક વિનાશ ન નોતરે…!
૨૧મી સદી એટલે ગતિ અને વિકાસનો યુગ. છેલ્લા કેટલાક સમયથી આપણે આપણી આસપાસના તમામ જડ અને ચેતન તત્વોમાં દેખીતો બદલાવ અનુભવી રહ્યા છીએ. વિકાસના માર્ગે આગળ વધવું અને ગતિની સાથે ચાલવું તે માનવ જરૂરિયાતનો અભિન્ન હિસ્સો છે. પરંતુ આપણને એ પણ ખ્યાલ હોવી જરૂરી છે કે આપણે કેવો વિકાસ ઈચ્છીએ છીએ, આગળ ક્યાં જવું છે, શા માટે જવું અને શેના ભોગે જવું છે. આજકાલ જાણે એક આંધળી રેસ લાગી છે અને જેમાં દરેક વ્યવસ્થા, વ્યક્તિ, વસ્તુ કે વિચારધારાને અન્ય કરતા ઝડપથી આગળ વધી જવું છે. સતત ચાલી રહેલ હરીફાઈની દોડ ક્યાં અટકશે અને કેટલાનો ભોગ લેશે તેનો કોઈને પણ ખ્યાલ નથી. આ વિકસિત થવાની અને આગળ વધી જવાની આંધળી હરીફાઈ કેવી રીતે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર થકી અજાણતા જ વિનાશને નિમંત્રણ આપી શકે તે તાજેતરની કેટલીક ઘટનાઓ થકી સમજવાનો પ્રયાસ કરીએ.
ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓના મેડીકલ પ્રવેશ માટે થોડા સમય પહેલા લેવામાં આવેલ “નીટ”ની પરીક્ષામાં થયેલ ધંધાલી અને ત્યારબાદ હાલમાં પરીક્ષા પહેલા જ પેપર ફૂટી જવાના સમાચારને ધ્યાને લેતા “યુજીસી નેટ”ની પરીક્ષા પણ મુલતવી રાખવાનું સરકારે જાહેર કર્યું છે. ગુજરાતમાં “ટેટ-ટાટ” પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો સરકારી શિક્ષકોની ભરતી માટે આંદોલન કરી રહ્યા છે. લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ પ્રકારની સ્પર્ધાત્મકતા પરીક્ષા માટે તૈયારી કરેલ હોય અને જયારે પરીક્ષાને અંતે પરિણામમાં મોટી ધંધાલી સામે આવે, પરીક્ષાઓ રદ થાય અને પરિણામ બાદ ભરતી ન થાય ત્યારે ન માત્ર વિદ્યાર્થી પરંતુ સમગ્ર પરિવાર તણાવમાં આવી જાય અને પરિવારના સભ્યો પર નિરાશાના વાદળો હાવી થઇ જાય. આ સ્થિતિમાં આપણા મનમાં સહજ પ્રશ્ન થાય કે સત્તાધારી પક્ષ તો એવા દાવા કરીને ચુંટણી જીત્યા કે દેશના વડાપ્રધાન એક ફોનમાં રશિયા-યુક્રેન યુદ્ધ અટકવી શકે છે તો શું તે આપણા દેશમાં વારંવાર બનતી પેપર ફૂટવાની ઘટનાને ન અટકવી શકે…? વારંવાર પેપર ફૂટવાની ઘટના એ વાતની ચાડી ખાય છે કે તંત્રને યુવાનોના ભવિષ્યની ચિંતા કરતા ભ્રષ્ટાચાર થકી ચોક્કસ લોકેને ફાયદો થાય તેમાં વધુ રસ છે.
કેટલાક વર્ષોથી ચોમાસાની શરૂઆત પહેલાના એક શબ્દ આપણે અનેકવાર મીડિયાના માધ્યમોમાં સંભાળતા હોઈએ છીએ “પ્રી મોનસૂન એક્ટીવીટી”. એટલે કે ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે પ્રજાને તકલીફ ન થાય તે માટે વરસાદ આવતા પહેલા તકેદારીના ભાગરૂપે વ્યવસ્થા તંત્ર દ્વારા લેવામાં આવતા પગલા. મોટા નગરો અને શહેરોમાં “પ્રી મોનસૂન એક્ટીવીટી” ના નામે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે અને તેમાંથી અનેક જગ્યાએ રોડ રીપેરીંગ અને પાણી નિકાલના નામે ખાડાઓ ખોદાય છે, વૃક્ષોનું વિચ્છેદન કરવામાં આવે છે. પરંતુ જેવો વરસાદ શરુ થાય કે તરત જ રસ્તાઓમાં “ભુવા” પડી જવાની, પાણી ભરાઈ જવાની અને વૃક્ષો ધરાશાઈ થઇ જવાની ઘટનાઓથી આપણે અજાણ નથી. અનેક જગ્યાએ એવું પણ જોવા મળે છે કે પહેલા રોડ બનવવામાં આવે પછી થોડા સમયબાદ તેને તોડવામાં આવે. પૂછીએ કે કેમ તોડવામાં આવે છે તો જવાબ મળે કે વિકાસના કર્યો થઇ રહ્યા છે ગટર લાઈન નાખવાની છે. ફરી પાછો ત્યાં જ નવો રોડ બનવવામાં આવે અને આપણી ભોળી પ્રજા આ બધી જ બાબતોને વિકાસ ગણે છે. આ રીતે વ્યવસ્થાતંત્ર દ્વારા સામાન્ય જનતાને સમજાવવામાં આવતી વિકાસની વ્યાખ્યા ખરેખર કોની જરૂરિયાતો અને ભૂખ સંતોષે છે તે સૌ સમજવું જ રહ્યું.
તાજેતરમાં આવેલ લોકસભા ચુંટણીના પરિણામો અને અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરને ઉલ્લેખીને સોશિયલ મીડિયામાં અને કેટલાક નેતાઓ દ્વારા જાહેરમાં હિંદુ સમાજ પર માર્મિક કટાક્ષ કરવામાં આવી રહ્યા છે. નેતાઓ દ્વારા ઈરાદા પૂર્વક રાજકીય લાભ ખાંટવા આ રીતે થઇ રહેલ સાંપ્રદાયિક પ્રચાર સામાન્ય હિંદુ જન સમુદાયમાં ભયનો માહોલ ઉભો કરી શકે અને તેમને લાગે કે લોકસભાની ચૂટણીમાં હિંદુત્વ વિચારધારા ધરાવતા પક્ષને પૂર્ણ બહુમતી ન આપી ને આપણે બહુ મોટી ભૂલ કરી દીધી છે. સામે પક્ષે પણ કેટલાક મુસ્લિમ કટ્ટરપંથી સંગઠનો પણ આ જ મુદ્દાઓને ધ્યાને લઇ લોકોના દિલોદિમાગમાં ઝેર ઓકી ભયનો માહોલ ઉભો કરવામાં ભૂમિકા ભજવતા હોય છે. હકીકત એ છે કે આના પરિણામ સ્વરૂપે આપણને સૌને બંધારણીય રીતે મળેલ બિનસાંપ્રદાયિકતા દેશ અને દુનિયાના લોકોમાં માત્ર મજાક બનીને રહી જાય છે. ૨૧મી સદીમાં આપણે સત્તા અને વિકાસના કાર્યો માટે આ પ્રકારની સંકુચિત વિચારધારાને અપનાવવી કેટલા અંશે યોગ્ય તે વિચારવું રહ્યું.
સોસીયલ મીડિયાની વાત કરીએ તો ૨૧મી સદી ટેકનોલોજીનો યુગ ગણાય છે ત્યારે ફેસબુક, ઈન્સ્ટા, ટ્વીટર અને અન્ય માધ્યમો દ્વાર દુનિયાને આજે આપણે આંગળીના ટેરવે ફેરવતા થઇ ગયા છે. આ માધ્યમોનો ચોક્કસ રીતે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે આપણા વિકાસની ગતિને વેગવંતી બનાવી જ શકે છે. પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય તેમ આ માધ્યમોનો દુર ઉપયોગ પણ વિપુલ માત્રામાં થઇ શકે છે અને થઇ પણ રહ્યો છે ત્યારે આ ટેકનોલોજીનો અગ્યોગ, અતિશય અને બિનજરૂરી ઉપયોગ પણ આવનારા દિવસોમાં આપણા સૌ માટે ખતરાની ઘંટડી સમાન ન બને તે અંગેની તકેદારી રાખવી જરૂરી છે. આગામી સમયમાં આ ટેક્નોલોજી આપણી રોજી-રોટી ન છીનવી લે તેનું સવિશેષ ધ્યાન રાખવું તે આપણા સૌની નૈતિક ફરજ બને છે.
ઈતિહાસ ગવાહ છે કે દુનિયાની જે જે સભ્યતાઓએ સમયની ગતિ સાથે ચાલવાનો પ્રયત્ન કર્યો, બદલાવને સ્વીકાર્યો અને વિકાસનો માર્ગ અપનાવ્યો તે તેમના અસ્તિત્વને વધુ ટકાવી શક્યા. આપણે પણ આ જ વ્યવસ્થાનો ભાગ છીએ; માત્ર નક્કી એ કરવાનું છે કે સમયની ગતિ સાથે કેમ, ક્યારે અને કેટલો બદલાવ અપનાવવો જેથી ટકાઉ વિકાસના માર્ગે આપણે લાંબા સમય સુધી ચાલી શકીએ.
