ઇસનપુરમાં ગઠિયાઓએ ખોટા ડોક્યુમેન્ટ બનાવી બેન્કમાંથી લોન કરાવી કાર લઇને ફરાર
ઇસનપુરમાં બે ગઠિયાઓએ ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેમજ ખોટા બેન્ક સ્ટેટમેન્ટ રજૂ કરીને કાર માટે બેન્કમાંથી લોન કરાવી કાર લઇને ફરાર થઇ ગયા હતા. જેમાં બેન્ક મેનેજરે કાર મળી કે નહિ તે માટે ફોન કરતા ઉપાડ્યો ન હતો. જેથી બેન્ક મેનેજરે તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ઘરના જે એડ્રેસ આપ્યા હતા તે પણ ખોટા હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે બેન્ક મેનેજરે અજાણ્યા ગઠિયાઓ સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
જુહાપુરામાં રહેતા ઇમરાનખાન ખાન બેન્ક ઓફ બરોડા ઘોડાસરમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 30 નવેમ્બર 2023માં તેમની બેન્કના એજન્ટ ધર્મેન્દ્રભાઇ ગોહિલ લલીત થાપા નામના શખ્સને સાથે લઇને બેન્ક પર ગયા હતા. અને લલીતને કાર લેવા રૂ. 17.80 લાખની લોન જોઇએ છે તેમ જણાવ્યુ હતુ. જેથી ઇમરાનખાને કયા ડોક્યુમેન્ટ લાવવાના અને પ્રોસિઝર સમજાવી હતી. જે બાદ લલીતે ડોક્યુમેન્ટ પીડીએફ કર્યા હતા. અને બાદમાં અસલ ડોક્યુમેન્ટ સાથે બેન્ક પર ગયો હતો. બાદમાં ફોર્મ ભરાવીને લોનની પ્રોસેસ કરી હતી. જે બાદ તેમના ઘરે અને ડોક્યુમેન્ટ પણ વેરીફાય કર્યા હતા. સમગ્ર પ્રોસેસ બાદ રૂ. 17.80 લાખની લોન મંજૂર થઇ હતી. ત્યારબાદ સુપરનોવા ઓટોમોબાઇલ્સ કંપનીને કારના રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ઇમરાનખાને ગાડી મળી કે નહિ તે બાબતે ફોન ઉપાડવાનુ બંધ કર્યુ હતુ. જેથી મેનેજરે તપાસ કરતા તે રોકડા બીજા 2 લાખ આપીને કાર લઇને જતો રહ્યો હતો. જેથી મેનેજર લલીત થાપાના ઘરે જતા ત્યાં સુનિલ શર્મા રહેતો હતો. અને બીજા ઘરે પણ તપાસ કરતા ત્યાં અન્ય મહિલા રહેતી હતી. ત્યારબાદ કાર અંગે તપાસ કરતા કાર અજાણી વ્યક્તિ લઇ ગયો હતો. અને લલીત થાપાના ડોક્યુમેન્ટની વધુ તપાસ કરતા તે ખોટા હોવાનું સામે આવ્યુ હતુ. તેમજ બેન્ક સ્ટેટમેન્ટ પણ ખોટુ બનાવીને રજૂ કર્યુ હતુ. જેથી આ અંગે ઇમરાનખાને અજાણી વ્યક્તિઓ સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઇ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે.
