શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોગ સાઈડ ડ્રાઈવ અંતર્ગત તા.29 સુધીમાં આશરે બે હજારથી વધુ લોકોને પકડીને કેસ કર્યા
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોગ સાઈડમાં વાહન ચલાવતા વાહનચાલકોને પકડી તેમની સામે ગુનો નોંધવાની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત પોલીસે તા.29 સુધીમાં આશરે બે હજારથી વધુ લોકોને પકડીને કેસ કર્યા છે. આ તમામ વાહનચાલકો સામે આઈપીસીની કલમ 279 અને મોટર વેહિકલ એક્ટની કલમ 184 હેઠળ ગુનો નોંધ્યો હતો. તેથી આ તમામ વાહનચાલકોને જામીન લેવા માટે પોલીસ સ્ટેશન જવુ પડ્યું હતું. જો કે શહેરભરની પોલીસે કરેલી આ કામગીરીમાં ટ્રાફિક પશ્ચિમ પોલીસે સૌથી વધુ કેસ કર્યા હતા. આંકડાકીય માહિતી મુજબ ટ્રાફિક પૂર્વ અને સ્થાનિક પોલીસની આ કામગીરીમાં ઉદાસીનતા જણાઇ આવી હતી.
પોલીસસ્ટેશન દ્વારા કરાયેલી કામગીરીમાં સૌથી વધુ કેસ માત્ર ઝોન-5ની ગોમતીપુર, બાપુનગર, રખિયાલ, અમરાઇવાડી, ખોખરા, ઓઢવ, નિકોલ અને રામોલ પોલીસે જ્યારે ઝોન-6ની ઇસનપુર, મણીનગર, વટવા, વટવા જીઆઇડીસી, દાણીલીમડા, કાગડાપીઠ અને નારોલ પોલીસે કર્યા હતા. ત્યારે પોલીસ અધિકારીઓનું કહેવુ છે કે આગામી દિવસોમાં પણ આ કામગીરી યથાવત રખાશે. ટ્રાફિક પૂર્વએ 641, ટ્રાફિક પશ્ચિમએ 719 કેસ કર્યા છે. જો ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો ઝોન-1 દ્વારા 18, ઝોન-2દ્વારા 22, ઝોન-3દ્વારા 14, ઝોન-4દ્વારા 33,ઝોન-5દ્વારા 192,ઝોન-6દ્વારા 155,ઝોન-7 દ્વારા 13 કેસ કરવામાં આવ્યા છે.
