શહેર પીસીબીએ રાજસ્થાનથી વડોદરા જઈ રહેલો મોટી માત્રામાં દારૂનો જથ્થો નરોડાથી ઝડપી બે આરોપીઓની ધરપકડ કરી

શહેર પીસીબીએ રાજસ્થાનથી વડોદરા જઈ રહેલો મોટી માત્રામાં દારૂનો જથ્થો કબજે કર્યો છે.પીસીબીએ બે આરોપીઓની ધરપકડ કરી છે જે બંને આરોપીઓ બિશનોઈ ગેંગના હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પકડાયેલા આરોપીઓને રાજસ્થાનથી દારૂ ભરીને આપનાર અન્ય આરોપીઓ પણ બિશનોઈ ગેંગના હોવાનું સામે આવ્યું છે. પોલીસે 2.08 લાખના દારૂ સહિત 11.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડી અમદાવાદ થઈ વડોદરા જવાની હોવાનું માહિતી પીસીબીને મળી હતી. પીસીબીએ બાતમીના આધારે નરોડા રિંગ રોડ પર ટોલનાકા પાસે ક્રેટા કાર પકડી હતી જેમાં તપાસ કરતા અંદરથી નાની મોટી દારૂ અને બિયરની 563 બોટલ અને ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 2,08,975ના દારૂ સહિત 11,29,945 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.પીસીબીએ ગાડીના ચાલક સોહન બિશનોઈ અને નરેશ બિશનોઈની ધરપકડ કરી છે. બંને આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, રાજસ્થાનના રવિન્દ્રસિંહ, છોટુ બિશનોઈ અને ભમરો બિશનોઈ નામના ત્રણ શખસોએ આરોપીઓને રાણીવાડા હિરપરા ફાટા પાસે આપી ગયા હતા. આ ગાડી લઈને આરોપીઓને વડોદરા આપવાનું કહ્યું હતું. આરોપીઓ દારૂનો જથ્થો લઈને અમદાવાદથી વડોદરા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન જ પોલીસે ઝડપી પાડયા છે. પકડાયેલા 2 આરોપીઓ દારૂ મોકલનાર બિશનોઈ ગેંગના 3 આરોપીઓ અને દારૂ મંગાવનાર વડોદરાના શખ્સ સામે ગુનો નોધવામાં આવ્યો છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી આ ગુનામાં ફરાર આરોપીઓની તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં એક જ દિવસમાં બિશનોઈ ગેંગની બે દારૂની ગાડીઓ મળી આવી છે જેને લઇને હવે પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

Social