સનાથલના તળાવમાં ગંદુ પાણી આવતા સંતો અને રહીસોએ મામલતદારને આવેદન પાઠવ્યું

શાંતિપૂરા પાસે હાઇવે પાસેની ડ્રેનેજ ગટર લાઇનમાંથી દૂષિત પાણી છેલ્લા 2 વર્ષથી આસપાસના વિસ્તારમાં ભરાવો થયો છે. ત્યારે આ પાણી સનાથલના તળાવમાં અને ગામની 200 વીઘા જેટલી ખેતી લાયક જમીનમાં સાથે સાથે લંબે નારાયણ આશ્રમની જગ્યામાં ભરાઈ જતાં રહીસોએ મામલતદારને આવેદન આપી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે.

          સાણંદ તાલુકાનાં સનાથલ ગામના પૂર્વ સરપંચ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ભારતી આશ્રમ સરખેજના મહંત શ્રી ઋષિ ભારતી મહારાજ, શ્રી લંબેનારાયણ આશ્રમ સનાથલના મહંત શ્રી વિશ્વંભરી ભારતી માતાજી, ગામ અગ્રણી અને એડ્વોકેટ હરીશચંદ્રસિંહ ચૌહાણ, એપીએમસીના વાઇસ ચેરમેન ધમેન્દ્રસિંહ ચૌહાણ(રાજભા), પૂર્વ તાલુકા સદસ્ય બલરાજસિંહ ચૌહાણ, વિશુભા ચૌહાણ સહીત ગામના અગ્રણી, રહીસોએ સાણંદ મામલતદારને લેખિતમાં આવેદન આપી રજૂઆત કરી હતી કે એપલવુડ, બોપલ, શેલા, સરખેજ તથા તેની આસપાસનાં વિસ્તારનું ગટરનું ગંદુ પાણી ગઇ કાલે ઔડા દ્વારા સનાથલ ગામ તરફ છોડી મુકેલ છે. જેનાંથી ગામનાં પૌરાણિક તળાવમાં ગટરનું પાણી ભરાવવાનું ચાલુ થયું છે.તળાવ ઉભરાઇ જતાં ગટરનું ગંદુ પાણી ગામમાં ભરાવો થતાં તેનો નિકાલ થતો નથી અને ગામનાં બોરમાં ગંદુ પાણી ઉતરવા માંડે છે. ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહેલી છે. વધુમાં કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી તમામ સ્તરે રજુઆત કરવા છતાં કોઇપણ જાતના પગલા લેવામાં આવતા નથી.
Social