ગોંડલમાં આવેલ બે જર્જરીત બ્રીજનો કેસ : સરકારે બ્રિજ બનાવવાની ટાઇમ લાઈન કોર્ટ સમક્ષ રજૂ કરી

રાજકોટ જિલ્લાના ગોંડલમાં બે બ્રિજ આવેલા છે. જે ભગવત સિંહજીનાં સમયમાં બંધાયેલ 100 થી 125 વર્ષ જૂના બ્રિજ છે. જેની ખરાબ હાલતને લઈને રાજકોટના યતીશ દેસાઈ દ્વારા એડવોકેટ રથીન રાવલ મારફતે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેની ઉપર આજે ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વધુ સુનવણી હાથ ધરાઈ હતી.આ કેસ સંદર્ભે અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગના અન્ડર સેક્રેટરીએ એફિડેવિટ ફાઇલ કરી હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે DPR નો ડીટેલ અભ્યાસ આર્કિયોલોજી વિભાગ, IIT મુંબઈ અને ઇન્ટેક દિલ્હી દ્વારા કરવામાં આવ્યો છે. તેની ચકાસણી કરીને તેને ફાઈનલાઈઝ કરવામાં આવેલ છે. મુંબઈની હેરીકોન કન્સલ્ટન્સી આ બે હેરિટેજ બ્રિજનું રીપેરીંગ કામ કરશે. જેનો કોન્ટ્રાક્ટ અપાઈ ચૂક્યો છે અને 22 કરોડ રૂપિયાનું ખર્ચ થશે. અત્યારે પ્રક્રિયા બજેટ એપ્રૂવ થવાના સ્ટેજ ઉપર છે.

     આ બ્રિજ બનાવવા સંદર્ભે હાઇકોર્ટે ટાઇમ લાઈન માંગી હતી. જે સંદર્ભે આજે સરકારે જણાવ્યું હતું કે IIT અને INTAC આ કામનું સુપરવિઝન કરશે. મ્યુનિસિપલ કમિશનરે વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ પક્ષકારો સાથે વાત કરી છે. રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા કામ કરવામાં આવશે. જમીન સંપાદન કલેકટર દ્વારા કરાઈ રહ્યું છે. કામનું નિરીક્ષણ કરવા માટે પણ સંસ્થા નિમવામાં આવી છે. 12 જુલાઈના રોજ 12 જુલાઈએ DPR એપ્રુવ કરવામાં આવશે. 01 ઓગસ્ટે ટેકનિકલ બાબતો એપ્રુવ કરવામાં આવશે. 19 ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ ટેન્ડર નક્કી કરવામાં આવશે. 26 ઓગસ્ટના રોજ ઓનલાઈન ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે. 21 ઓક્ટોબરના રોજ ટેંડરને મંજૂર કરવામાં આવશે. 25 સપ્ટેમ્બરના રોજ વર્ક ઓર્ડર મંજૂર કરવામાં આવશે. બે જૂના બ્રીજને રિપેર કરવાનો ખર્ચ 22 કરોડ જેટલો થશે. જમીન મેળવવાની પણ રકમ નક્કી કરવામાં આવી છે. આમ પહેલા સ્ટેજનો રીપોર્ટ રજૂ કરીને વધુ સુનવણી 06 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.
    અગાઉની સુનવણીમાં જે બે નવા બ્રિજ બનવાની વાત છે. તેમાં સરદાર પટેલ બ્રિજને  ખસેડવો પડે તેવો અભિપ્રાય મળ્યો હતો . જ્યારે હોસ્પિટલ પાસેના બ્રીજને શિફ્ટ કરવો પડશે નહીં. જો કે હાઇકોર્ટે ફરી એકવાર ટકોર કરી હતી કે ગોંડલના હેરિટેજ બ્રીજને અમદાવાદના એલિસબ્રિજની જેમ સેન્ડવીચ બનાવવામાં ના આવે. સરકારે જણાવ્યું હતું કે નવા બ્રિજમાં એક બ્રિજને એપ્રુવલ આપી દેવામાં આવ્યું છે. જ્યારે બીજા બ્રિજનું સ્થળાંતરણ કરવાનું હોવાથી ત્યાં જમીન મેળવવાની છે. હાઇકોર્ટે આ પ્રક્રિયાનો દર બે અઠવાડિયે રિપોર્ટ રજૂ કરવા સરકારને હુકમ કર્યો છે. સાથે જ આ તમામ બ્રિજનું રીપેરીંગ અને બનાવટનું કામ જે એજન્સી સુપરવાઇઝ કરવાનું હોય તેના પણ નામ માંગવામાં આવ્યા હતા
    આગાઉ સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે હેરિટેજ વેલ્યુથી બ્રિજ રિપેર થયા બાદ પણ તેની ઉપર ફક્ત લાઈટ વેહિકલ પસાર થઈ શકશે. DPR તૈયાર થયા બાદ રીપેરીંગ ટેન્ડર માટે 02 મહિનાનો સમય લાગશે. 01 વર્ષ જેટલો સમય રીપેરીંગમાં જશે. ભારે વાહનોએ હાલમાં 10 થી 12 કિલોમીટર ફરીને જ જવું પડશે. સરકાર ત્યાં બે નવા બ્રિજ પણ બનાવશે. જેના માટે પ્રાઇવેટ જમીન મેળવાઈ રહી છે. નવા બે બ્રિજ બનતા 02 વર્ષ જેટલો સમય લાગશે. આ નિર્ણય રાજ્યના અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીનો છે.
Social