ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધારે કડીમાં 5 ઇંચ નોંધાયો
ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી પોતાનાે મિજાજ બતાવ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ભારે વરસાદના લીધે નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો. સરકારી આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 110 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેમા સૌથી વધુ કડીમાં સાડા 5.28 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સાબરકાંઠાના ઈડરમાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
નોંધનીય છે કે આ ઉપરાંત ભરૂચના હાંસોટ, નેત્રંગ અને જોટાણામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે પ્રાંતિજ અને ભિલોડામાં પોણા બે ઈંચ વરસાદ, વિજાપુર, માણસા, હિંમતનગરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 6 તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી., દાહોદના સંજેલીમાં 23 મિમી, મહીસાગરના વીરપુર અને અમદાવાદના દેત્રોજમાં 20-20 મિમી, પાટણ તાલુકામાં 15 મિમી, મહીસાગરના બાલાસિનોરમાં 15 મિમી, આણંદના આંકલાવમાં 13 મિમી, વડોદરામાં 12 મિમી, પંચમહાલના ઘોઘંબામાં 11 મિમી અને વલસાડ તાલુકામાં 10 મિમી વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં વરસાદ સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી પણ રહેશે. સૌરાષ્ટ્ર , ઉત્તરગુજરાત અને દક્ષીણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે.
