ઓઢવમાં કાસ્ટીંગના કારખાનામાં તસ્કરોએ અલગ અલગ કુલ રૂ. 7.40 લાની ડાઇની ચોરી કરીને ફરાર
શહેરમાં રથયાત્રામાં પોલીસ વ્યસ્ત અને તસ્કરો બેફામ બન્યા છે. ઓઢવમાં કાસ્ટિંગના કારખાનામાં તસ્કરો દિવાલ કૂદીને ઘૂસીને કુલ રૂ. 7.40 લાખની અલગ અલગ ડાઇની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ અંગે વેપારીએ અજાણ્યા ચોર સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ફૂટજેના આધારે તપાસ શરૂ કરી છે.
વસ્ત્રાલમાં રહેતા રોહીતસિંહ રાજપૂત ઓઢવમાં રાજીવનગર પ્લોટમાં કાસ્ટિંગ વાલ્વ બનાવવાનું કારખાનુ ધરાવે છે. ગત 2 જુલાઇએ રાત્રે કારીગરો કામ પૂરી કરીને કારખાનું બંધ કરીને રાત્રે નીકળી ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે તેમના સુપરવાઇઝર હર્ષદે ફોન કરીને રોહીતસિંહને જણાવ્યુ કે ભઠ્ઠી પાસે રાખેલ ડાઇ દેખાતી નથી. જેથી રોહિતસિંહ તાત્કાલિક કારખાને પહોચ્યા હતા. અને તપાસ કરતા અલગ- અલગ સાઈઝની કાસ્ટિંગની એલ્યુમિનીયમની ડાઈ ચોરાઇ ગઇ હોવાનું સામે આવ્યુ હતુ. જેથી વધુ તપાસ કરતા કુલ રૂ. ૭.૪૦ લાખની જુદી-જુદી ડાઇની ચોરી થઇ હતી. તેમજ અજાણ્યા તસ્કરો કારખાનાની દિવાલ કૂદીને આવીને ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ અંગે રોહિતસિંહે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
