ગાંધીનગરના ભાટ ખાતે બંગલામાં ભીષણ આગ ભભૂકી ઉઠી ; એક યુવાન જીવતો ભૂંજાયો
ગાંધીનગરના ભાટ ખાતેના એક બંગલોનાં રસોડામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં આગના કારણે યુવાન ભડથું થઇ ગયો હતો. જ્યારે પરિવારના અન્ય સભ્યો ઘરની બહાર નીકળી જતાં તમામનો બચાવ થયો છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ ઉપર પહોંચી આગ પર કાબૂ મેળવી યુવાનની લાશ બહાર કાઢવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના ભાટ ખાતેના બંગલોમાં રસોડામાં લાગેલી આગમાં પ્રથમ માળ સુધી પહોંચી જતાં યુવાન જીવતો ભૂંજાઈ ગયો હતો. બંગલામાં પીઓપી અને ફર્નિચરનાં કારણે આગ પ્રસરી જતાં પ્રથમ માળ સુધી પહોંચી ગઈ હતી. જેના પગલે પરિવારે આદિત્યને બૂમાબૂમ કરી હતી. પરંતુ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આદિત્ય બહાર નીકળી શક્યો ન હતો અને જોતજોતામાં આદિત્ય આગની ઝપેટમાં આવી ગયો હતો. બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. બાદમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. જોકે, આદિત્યના રૂમની બાલ્કનીનો દરવાજો બંધ હોવાથી લોખંડનો ગર્ડર કાપીને આદિત્યની ભડથું થયેલી લાશને બહાર કાઢવામાં આવી હતી. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાની શકાયું નથી.
