રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના મુદ્દે ત્રણ IAS ઓફિસરોની ટીમે તપાસ હાથ ધરીને ફેકટ ફાઇન્ડિંગ રીપોર્ટ હાઈકોર્ટને સોંપ્યો
ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના મુદ્દે રાજ્યના અર્બન હાઉસિંગ અને અર્બન ડેવલોપમેન્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને આ દુર્ઘટના પાછળ જવાબદાર અધિકારીઓના રોલની તપાસ કરવા માટે સત્ય શોધક કમિટીની રચના કરવા અને તેનો રિપોર્ટ 4 જુલાઈ સુધીમાં હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો હતો. જે સંદર્ભે રાજ્યના અર્બન હાઉસિંગ અને ડેવલોપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિનીકુમારે રિપોર્ટ હાઇકોર્ટ સમક્ષ સીલ કવરમાં એફિડેવિટ ઉપર આપવામાં આવ્યો હતો.
એફિડેવિટ મુજબ ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર અર્બન હાઉસિંગ અને ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા 16 જૂનના રોજ ત્રણ સભ્યોની હાઈ લેવલ સત્ય શોધક કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં ત્રણ IAS ઓફિસરોનો સમાવેશ થાય છે. જેમાં પી. સ્વરૂપ, રાજકુમાર બેનીવાલ અને મનીષા ચંદ્રા તપાસ કમિટીના સભ્યો છે. આ કમિટીએ TRP ગેમ ઝોન દુર્ઘટનામાં અધિકારીઓની ભૂલો શોધવા કાર્ય કર્યું છે.રિપોર્ટની અંદર રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારીઓ, ફાયર ઓફિસરો અને પોલીસની ભૂલો ઉજાગર કરવામાં આવી છે. આ રિપોર્ટ સીલ કવરમાં હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેને વાંચ્યા બાદ હાઇકોર્ટ યોગ્ય ઓર્ડર કરશે. વધુમાં જવાબદાર અધિકારીઓ સામે સખત તપાસ હાથ ધરવામાં આવશે. તેમાં જવાબદાર કોઈપણ કર્મચારીને છોડવામાં આવશે નહીં તેમ દર્શાવવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ બેજવાબદારી દાખવી છે.
