ગાંધીનગરમાં આજે CMની અધ્યક્ષતામાં કારોબારીની મહત્વની બેઠક
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની કારોબારી બેઠક મળવાની છે. આ બેઠકમાં ભાજપના તમામ પદાધિકારીઓને હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં રાજ્યના વિવિધ મુદ્દાને લઇને ચર્ચા થશે.તમામ નેતા ગણ બેઠક શરૂ થયા પહેલા યોગ કરશે અને ત્યારબાદ કારોબારી બેઠકમાં સામેલ થશે દરેક પદાધિકારીઓને હાજર રહેવાની સૂચના અપાઇ છે.સવારે 9.30 કલાકે દીપ પ્રાગટ્ય અને સ્વાગત વિધિ કરવામાં આવશે. જે બાદ સી.આર.પાટીલ સંબોધન કરશે. ત્યાર બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરશે. તેમજ કારોબારી બેઠકમાં વડાપ્રધાન મોદીનો આભાર પ્રસ્તાવ રજૂ થશે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીનાં પરિણામ બાદ આજે ભાજપની કારોબારી બેઠક મળવાની છે.આ બેઠકમાં રાજયને લગતા વિવિધ મુ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે,ખાસ કરીને રાજકોટના ગેમઝોનમાં જે દુર્ઘટના ઘટી તે સહિત નાગરિકોની અગવડતાના પ્રશ્નો સહિતના વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.સીઆર પાટિલ સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા બાદ હવે રાજ્યના પ્રદેશ પ્રમુખ તરીકે કોની વરણી કરવી તે અંગે પણ મંથન કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. બપોર બાદ લોકસભા ચૂંટણી અને આગામી આયોજન બાબતે ચર્ચા કરવામાં આવશે. તેમજ ગુજરાત પ્રભારી રત્નાકર લોકસભા ચૂંટણી બાબતે ચર્ચા કરશે. તેમજ સાંજે 4 વાગ્યે કારોબારી બેઠક પરિપૂર્ણ થશે.
