ગાંધીનગરના રણાસણ સર્કલ નજીક રોડ પર આઈસર ટ્રકનાં ચાલકે બાઈકને અડફેટે લીધી, પતિની નજર સામે પુત્રી અને પત્નીનું મોત
ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે. તેમાં પણ ખાસ કરીને હીટ એન્ડ રનની ઘટનાઓએ માઝા મુકી છે. તેવામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગાંધીનગરના રણાસણ સર્કલ નજીક રોડ પર આઈસર ટ્રકનાં ચાલકે બાઈકને અડફેટે લેતા પતિની નજર સામે પુત્રી અને પત્નીનું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી આઈસર મૂકીને નાસી ગયેલા ડ્રાઈવરને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના રણાસણ સર્કલ નજીક મૂળ રાજસ્થાનના ડુંગરપુરનાં વતની રાજુભાઈ શંકરભાઇ રોત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાજુભાઈ તેની પત્ની અને ત્રણ માસની દીકરીને બાઈક પર લઈને અમદાવાદ મજૂરી અર્થે જવા નિકળ્યા હતા. ત્યારે આશરે સાડા ચારેક વાગ્યાના અરસામાં લીંબડીયા કેનાલથી રણાસણ તરફ જતી વેળાએ બાઈકને એક આઇસર ઘસડાઇને નીકળી હતી. જેનાં કારણે રાજુભાઈએ બાઈક પરથી કાબુ ગુમાવી દેતા ત્રણેય જણા રોડની જમણી બાજુએ પટકાયા હતા.એજ ઘડીએ આઈસર ટ્રકના ચાલકે પોતાની ટ્રક હંકારતા રાજુભાઈની નજર સામે જ પત્ની અને માસૂમ દીકરી પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું અને માં – દીકરીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત રાજુભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી આઈસર મૂકીને નાસી ગયેલા ડ્રાઈવરને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
