રથયાત્રા માટે પોલીસની ખાસ તૈયારી : કોઈ ગુનેગાર મંદિરની આસપાસ ફરક્યો તો તરત પકડાશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને આમ તો પોલીસ દ્વારા તમામ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. પરંતુ જગન્નાથ મંદિર આસપાસ પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો રથયાત્રા દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરનાર શખ્સ કે કોઈ રીઢો ગુનેગાર મંદિર આસપાસ પરખશે તો પણ તે પોલીસની નજરથી નહીં બચી શકે. રથયાત્રામાં પોલીસ દ્વારા ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. આમતો ભગવાન જગન્નાથજીની રથયાત્રાના 22 કિલોમીટરના રૂટ પર તમામ જગ્યાએ પોલીસ જવાનોને અને સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવાયા છે.
અમદાવાદ પોલીસ કમિશનર જીએસ માલિકે જણાવ્યું કે, આ વખતની રથયાત્રામાં સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની કચાશ છોડવામાં આવી નથી. સુરક્ષાની દ્રષ્ટિએ તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રથયાત્રાના દિવસે જ્યારે ભગવાન જગન્નાથજીના રથ મંદિર પરિસરમાંથી નગરયાત્રા માટે બહાર નીકળે ત્યારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ હોય છે તેવી જ રીતે રથયાત્રાના આગલા દિવસોમાં પણ જગન્નાથજી મંદિર દર્શન માટે ભક્તોનો ભારે ઘસારો હોય છે. આ દરમિયાન મંદિર પરિસરમાં અને મંદિર બહાર કોઈપણ પ્રકારની ઘટના ન બને તેને લઈને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.તેમણે એમ પણ જણાવ્યુ કે, ખાસ કરીને મંદિર પરિસર આસપાસ એઆઈ ટેકનોલોજી બેઇઝ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા ફેસ રેકગ્નાઈઝ કરે છે.કોઈપણ ગુનેગાર કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરનાર મંદિર પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કરે કે મંદિર આસપાસ પણ ફરકશે તો તે આ કેમેરાની નજરથી નહીં બચી શકે કારણ કે કેમેરામાં તમામ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા ગુનેગારનો ડેટા સ્ટોર છે. જેથી મંદિર આસપાસ લાગેલા ફેસ રેકગ્નાઈઝ કેમેરા જે તે ગુનેગારનો ફેસ તરત કેચ કરી લેશે. એટલે કે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ કરનાર મંદિર આસપાસ ફરકશે તો તરત જ તે ઓળખાઈ જશે.
સરસપુર ખાતેના મોસાળે પણ પોલીસ દ્વારા જાતે મામેરું લઈ જવામાં આવતું હોય તેવું કરીને ‘જય રણછોડ’ના નાદ સાથે મામેરાનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસે ચેઇન બનાવી સરસપુર ચાર રસ્તાથી મંદિર સુધી રિહર્સલ કર્યું હતું. જે જોવા મોટી સંખ્યાં લોકો ઊમટ્યા હતા.રથયાત્રાનો 22 કિમીનો રૂટ છે.રિહર્સલમાં અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, QRT, CRPF સહિતના તમામ જવાનો હાજર રહ્યા હતા. કેટલીક જગ્યાએ પોલીસ કમિશનર દ્વારા ચાલીને પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.રથયાત્રામાં DG, ADG, IG, DIG કક્ષાના 9 અધિકારી, SP અને DYSP કક્ષાના 127 અધિકારીઓ હાજર રહેશે. આ ઉપરાંત PI, PSI, પોલીસકર્મીઓ મળીને કુલ 12600 જવાન હાજર રહેશે. SRPF, CAPF, RAF, ITBP, BDDS ચેતક કમાન્ડોની ટીમ પણ હાજર રહેશે. આમ સમગ્ર રથયાત્રામાં 23,600 જવાન ખડેપગે રહેશે.
