ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા : ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્યાએ નીકળ્યા
આજે (7 જુલાઈ 2024) અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ રથયાત્રા નિહાળવા માટે લોકો આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે. જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે.
ભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળ્યા છે. રાજવી વેશમાં નગરના નાથ નગરજનોને દર્શન આપી રહ્યા છે. અમદાવાદની 147મી રથયાત્રામાં 101 ટ્રક ટેબલો આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે. પવનચક્કી,ગ્રીન પર્યાવરણ,બંધારણના ટેબલો આકર્ષણ જમાવી રહ્યા છે. અબુધાબી સ્થિત BAPS મંદિરના ટેબલોએ આકર્ષણ જમાવ્યું છે. વિવિધ ટેબલો નીહાળીને લોકો પણ અભિભૂત થઈ રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને રથયાત્રાની શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રથયાત્રાની શુભકામના પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, અષાઢી બીજ – રથયાત્રાના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આસ્થાનું આ મહાપર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યના આશિષ લઈને આવે તેમજ ભગવાન શ્રી જગન્નાથજીની નગરયાત્રા વિકસિત ગુજરાતના નિર્માણની યાત્રાને વધુ વેગવંતી બનાવે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના.
અમિત શાહે ટ્વિટ કરી રથયાત્રાની પાઠવી શુભકામના
અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું, ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારતીય સાંસ્કૃતિક વિરાસત અને સમૃદ્ધિનું સંરક્ષણ તેમજ નવીન ઉત્કર્ષ પ્રદાન કરવાનો પવિત્ર અવસર છે, જે દેશના કરોડો શ્રદ્ધાળુઓ દ્વારા અત્યંત ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ યાત્રા એ વાતનું પ્રતીક છે કે ભારતીય સંસ્કૃતિ પ્રવૃત્તિથી ચાલે છે તેમજ ઉત્સવ અને આધ્યાત્મિકતા તેના આધારસ્તંભ છે. પવિત્ર રથયાત્રાના અવસર પર સૌ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું તેમજ ભગવાન જગન્નાથ, વીર બલભદ્ર અને માતા સુભદ્રા પાસેથી સૌના કલ્યાણ અને પ્રગતિ માટે પ્રાર્થના કરું છું. જય જગન્નાથ!
