વટવા જીઆઇડીસીમાં ફાયનાન્સ કંપનીમાં તસ્કરો રોકડ રૂ. 14.91 લાખ ભરેલ તિજોરી લઇ ફરાર

વટવા જીઆઈડીસીમાં આવેલ ફાયનાન્સ કંપનીમાં તસ્કરો ડુપ્લીકેટ ચાવીથી શટરનું લોક ખોલીને અંદર ઘૂસીને રોકડ રૂ. 14.91 લાખ ભરેલ તિજોરી ચોરીને ફરાર થઇ ગયા હતા. તેમજ ચોરોએ જે તિજોરીની ચોરી કરી તેમાં ઉઘરાણીના રૂપિયા મૂકેલ હતા. આ અંગે કંપનીના મેનેજરે તસ્કરો સામે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

     મૂળ અરવલ્લી જીલ્લાના અને હાલમાં હાથીજણમાં રહેતા ૨૪ વર્ષીય કિશનભાઇ મકવાણા વટવા જીઆઇડીસીમાં આવેલ સ્પંદન ફાયનાન્સીયીલ લિમિટેડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત ગુરુવારે કિશનભાઈ અને કેશિયર મહેશ બંનેએ ઉઘરાણીના આવેલા રોકડા રૂપિયાની ગણતરી કરીને ઓફિસમાં રહેલી લોખંડની તિજોરીમાં રૂ.૧૪.૯૧ લાખ મૂકીને ઓફીસ બંધ કરીને કંપનીની બાજુમાં આવેલા ફ્લેટમાં જતા રહ્યા હતા. બાદમાં બીજા દિવસે શુક્રવારે સાંજે ઓફીસના કર્મચારી વિજયસિંહે ઓફીસનું શટર ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ લોક ખુલતુ ન હતુ.  જેથી મેનેજરને જાણ કરતા તેમને પોતાની પાસે રહેલી ચાવીથી લોક ખોલીને ઓફિસમાં અંદર ગયા ત્યારે ઓફિસમાં રહેલો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને લોખંડની તીજોરી ગાયબ હતી. જેથી અંદાજો આવી ગયો કે ઓફિસમાં ચોરી થઈ છે. ત્યારબાદ મેનેજરે કંપનીની મેઈન બ્રાંચમાં બનાવ અંગેની જાણ કરી હતી. આ અંગે મેનેજરે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવી છે.
Social