ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા મથામણ
ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા મથામણ કરી રહી છે. હવે શહેરની ગટર લાઈનો- ડ્રેનેજ નેટવર્કમાં ગેરકાયદે નાખવામાં આવતા ઔદ્યોગિક ગંદા પાણીને રોકવા માટે ટાસ્ક ફોર્સ અને સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિડિંગ બનાવવામાં આવી છે. ટાસ્ક ફોર્સ ઉપરાંત અલગ પેટ્રોલિંગ સ્કવોડ પણ તૈયાર કરવામાં આવશે. જે રાત્રિ દરમિયાન શહેરની ગટર લાઈનોમાં ગેરકાયદે કનેક્શન કરીને તેમજ ટેન્કર દ્વારા ગંદુ પાણી નાખવામાં આવતું હોય છે. તમામ ઔદ્યોગિક એકમોમાં ચેકિંગ હાથ ધરશે. શહેરની તમામ ઔદ્યોગિક એકમોમાં ટાસ્ક ફોર્સ દ્વારા ચેકિંગ કરી ગેરકાયદે કનેક્શનથી લઈ તમામ બાબતોનું ચેકિંગ કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા બનાવેલી ટાસ્ક ફોર્સ દ્વારા જે પણ ઔદ્યોગિક એકમો દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષણ છોડતા ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદે જે પણ ઔદ્યોગિક એકમો ગંદુ પાણી સાબરમતી નદીમાં છોડતા હોય તેની માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ, સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં જાહેર કરવામાં આવશે.સાબરમતી નદીમાં થતું પ્રદૂષણ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા નવી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં ડેપ્યુટી સિટી ઇજનેર, ટાઉન પ્લાનિંગ વિભાગ, સેન્ટ્રલ લેબોરેટરી, પર્યાવરણ એન્જિનિયર, GPCB (ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ) અને પોલીસના અધિકારીની નિમણૂક કરવામાં આવશે. આ ટાસ્ક ફોર્સ તમામ ઔદ્યોગિક એકમોનો સર્વે કરશે. જેમાં ફેક્ટરી લાઇસન્સ, બીયુ પરમિશન, હેલ્થ લાયસન્સ, ખાનગી બોર, ઔદ્યોગિક પાણીનો કેવી રીતે નિકાલ કરવામાં આવે છે અને કેટલા પેરામીટરનું પાલન કરાય છે વગેરેની માહિતી મેળવશે.તમામ ડેટા તૈયાર કરવામાં આવશે અને જો ક્યાંય પણ આ નિયમોનું પાલન અને લાયસન્સ ન હોય તો તાત્કાલિક ધોરણે તેને સીલ કરવાની કાર્યવાહી કરાશે. ડિસ્ચાર્જ પોઇન્ટ પર કનેક્શન કાપવાની કાર્યવાહી કરી જે તે વિભાગને વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
