ગોમતીપુરમા મહિલા સાથે અથડાવવા મામલે યુવકે બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું
અમદાવાદમાં ચાલીમાંથી પસાર થતો યુવક મહિલાને અથડાવવા મામલે બંદૂક અને તલવારો લઈને મહિલાના ઘર પાસે હોબાળો થયો હતો. ચાલીમાંથી પસાર થતો યુવક ઘર પાસે બેઠેલી મહિલાને અથડાયો હતો. આ યુવકને મહિલાએ જોઈને ચાલવાનું કહેતા તેણે બોલાચાલી કરી હતી. ત્યારબાદ તેના પરિવારજનો બંદૂક અને તલવાર જેવા હથિયાર લઈને મહિલાના ઘર પાસે આવીને હોબાળો કર્યો હતો. આ બાબતે મહિલાએ ત્રણ લોકો સામે ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગોમતીપુરમાં રહેતા નીશાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અભ્યાસ કરે છે અને તેમના પિતા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. નીશાબેને ફરિયાદમાં કહ્યું હતું કે, 8મી જુલાઈએ રાતના સમયે હું ઘરની બહાર બેસીને મોબાઈલમાં રીલ્સ જોતી હતી. તે વખતે અમારી ચાલીમાં રહેતો કિરણ સોલંકી મને અથડાયો હતો. જેથી, મેં તેને જોઈને ચાલવાનું કહેતા તેણે મારી સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ આસપાસના લોકો આવી જતાં તે જતો રહ્યો હતો. ત્યારબાદ કિરણની માતા અને બહેનોએ મારા ઘર પાસે આવીને મારી માતાને જોરજોરથી બોલાચાલી કરી હતી.નીશાબેને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, સાંજે મારા પિતા ઘરની બહાર બેઠા હતાં. તે સમયે કિરણના સંબંધીઓ બંદૂક લઈને આવ્યા હતાં અને જોરજોરથી ગાળો બોલીને બૂમો પાડવા માંડ્યા હતાં. તેમની સાથે અન્ય અજાણ્યા શખસો પણ હાથમાં તલવાર લઈને આવ્યા હતાં. દીપક સોલંકી નામના વ્યક્તિએ ચાલીમાં હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના અવાજથી ચાલીના લોકો ડરી ગયા હતાં અને તે જોરજોરથી બોલતો હતો કે, ધવલ સોલંકી ક્યાં છે ? તેને જાનથી મારી નાંખીશું. જેથી મેં પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતાં. પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
