અમદાવાદમાં આંગડિયાના કર્મચારીને ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ્યા
શહેરના એલિસબ્રિજ જિમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 65 લાખની લૂંટ થઈ છે. લૂંટારાઓએ ઓટોરિક્ષામાં જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને મરચાંની ભૂકી છાંટીને તેમને ધોળે દિવસે લૂંટી લીધો છે.
આર. કાંતિલાલ આંગડિયા પેઢીના માલિક અશોક પટેલે જણાવ્યું હતું કે, આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બે માણસ બાબુભાઈ મફતભાઈ પ્રજાપતિ અને મનોજભાઈ બાબુભાઈ પટેલ જમાલપુર એપીએમસીથી 65 લાખ રૂપિયા રિક્ષામાં લઈને અમારી ઓફિસ આર. કાંતિલાલ આંગડિયા ખાતે જઈ રહ્યા હતા, જ્યાં અચાનક જલારામ મંદિરથી આગળ જિમખાનાની સામે બાઈક પર બે શખસ છરી અને એરગન લઈને આવી ગયા હતા.આંગડિયા પેઢીના માલિક અશોક પટેલે આગળ જણાવ્યું કે, છરીને આવેલા આ શખ્સોએ રિક્ષા ઉભી રખાવીને આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બન્ને માણસની આંખમાં મરચાંની ભૂકી નાખીને રિક્ષામાં બેસેલા બંને માણસોને ઉપર છરી વડે અને એરગન વડે હુમલો કરી લોહીલુહાણ કરી લૂંટી લીધા હતા. અમારા બન્ને કર્મચારી બપોરે 3.05 વાગ્યે એપીએમસીથી નીકળ્યા હતા અને ઇસ્કોન આર્કેડ, સીજી રોડ પોતાની આંગડિયા પેઢી તરફ જતી વખતે 3.20 વાગ્યે એલિસબ્રિજ જિમખાના સામે બાઈક ઉપર આવેલા બે શખસે 65 લાખની લૂંટ કરી હતી.
