રામોલમાં વેપારીને સારી લીમીટવાળુ ક્રેડિટકાર્ડ આપવાના બહાને ગઠિયાએ રૂ. 1.41 લાખ પડાવ્યા

રામોલના વેપારીને ફોન કરીને બજાજ ફિનસર્વમાંથી તમને સારી લિમીટ વાળુ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે તેવું કહીને ગઠિયાઓએ લીંક મોકલીને તેમાં તમામ વિગતો ભરાવીને રૂ.1.41 લાખ ઉપાડી ઠગાઈ આચરી હતી. આ અંગે વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. રામોલમાં રહેતા 40 વર્ષીય રાજકુમાર મિશ્રા ટુર્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરે છે. ગત 27 જુને તેઓ ઘરે હાજર હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને પોતાની ઓળખ શિવાની વર્મા અને બજાજ ફિનસર્વમાંથી બોલતી હોવાનું જણાવ્યુ હતુ. ત્યારબાદ બજાજ તરફથી તમને સારી લિમીટ સાથે ક્રેડિટ કાર્ડ આપવામાં આવી રહ્યું છે. જેની લિમીટ રૂ.3 થી 10 લાખની વચ્ચે હશે. જેથી રાજકુમાર ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તૈયાર થયા હતા.

બાદમાં શિવાનીએ લીંક મોકલીને આધારકાર્ડ તથા પાનકાર્ડ નંબર સહિતની માહિતી ભરાવી હતી. ત્યારબાદ શિવાનીએ તમારુ ક્રેડિટ કાર્ડ એપ્લાય થઈ ગયુ છે જેનો મેસેજ પણ તમને આ‌વી જશે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. થોડા સમય બાદ રાજકુમારના મોબાઈલમાં ક્રેડિટ કાર્ડમાંથી બે ટ્રાન્જેક્શન કુલ રૂ.1.41 લાખ ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. જેથી તેમની સાથે ફ્રોડ થયો હોવાની જાણ થઇ હતી. આ અંગે રાજકુમારે અજાણ્યા ગઠિયા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Social