ગોધાવીથી તેલાવ કેનાલ વાળા રસ્તે જાઓ તો ચેતજો : કેનાલ પ્રોટેક્શન વોલ જ નથી !

     સાણંદ તાલુકાના ગોધાવી થી તેલાવ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે રોડ આવેલ છે વળી અહિયાંથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. વર્ષોથી કેનાલની ફરતે પ્રોટેક્શન વોલનો અભાવ જોવા મળી રહો છે. હાલ શેલા થી તેલાવ રોડ બિસ્માર હાલમાં હોવાના કારણે છેલ્લા 6 મહિનાથી અહિયાંથી પરિવહન કરતાં ઘણા બાઇક ચાલકો અને કાર ચાલકો શેલા થી તેલાવ જવા માટે કેનાલ પાસેના ડામર રોડનો ઉપયોગ શરૂ કર્યો છે. 
            રોડની એક  તરફ બાવળના ઝાડ અને બીજી તરફ ખુલ્લી કેનાલ રહેલ છે. કેનાલ ફરતે પ્રોટેક્શન સેફ્ટી વોલનો અભાવ તેમજ રાત્રેના સમય આ રોડ પર સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે અહિયાંથી પસાર થતાં અનેક ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. ભૂતકાળમાં સેફ્ટી વોલ ના ભાવે આ કેનાલમાં કેટલાક અબોલ પશુઓ ખબક્યા હોવાની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર આ કેનાલ ફરતે વાહન ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી વોલ ઉભી કરે તે જરૂરી બને છે.
                         નોંધપાત્ર છે કે તાજેતરમાં રાજ્યના અંકલેશ્વરના સીસોદરા ગામ પાસે કાર નહેરમાં ખાબકી હતી જે નહેર પર પ્રોટેક્શન વોલનો અભાવ હતો જે અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું.
Social