શેરથામાં નિવૃત સમાજ કલ્યાણ અધિકારીના ફાર્મ હાઉસમાં લૂંટારા ત્રાટક્યા
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ત્યારે હવે લૂંટારાઓ ત્રાટકવાની ઘટનાઓ પણ વધી રહી છે. આ સ્થિતિ વચ્ચે ગાંધીનગર શહેર નજીક આવેલા શેરથામાં નિવૃત સમાજ કલ્યાણ અધિકારીના ફાર્મ હાઉસમાં લૂંટારા ત્રાટક્યા હતા. અને ડાઇનીંગ હોલમા પડેલ થેલામાંથી દોઢ લાખની રોકડ ચોરીને ફરાર થઇ જતા ફરિયાદ નોંધાઈ છે.
શેરથા કસ્તુરીનગર ટાઉનશીપના બસ સ્ટોપ પાસે અર્જુન કરણ ફાર્મ હાઉસમાં સમાજ કલ્યાણ વિભાગમાંથી નિવૃત થયેલ દેવેન્દ્રભાઇ હીરાભાઇ દેસાઇ રહે છે. જ્યારે તેમનો પરિવાર સોલા ખાતે રહે છે. નિવૃત અધિકારી દેસાઈના ફાર્મ હાઉસમાં પાંચ રૂમ અને એક ડાઇનીંગ હોલ તથા એક રસોડું છે. ગત તા. 9 મી જુલાઈની રાત્રે દેવેન્દ્રભાઇ જમી પરવારીને દસેક વાગે સૂઇ ગયા હતા. ત્યારે બીજા દિવસે તેમની પત્નીની તબિયત સારી નહીં હોવાથી તેઓ વહેલી સવારે ઉતાવળમાં ફાર્મ હાઉસેથી અમદાવાદ જવા નીકળી ગયા હતા. બાદમાં પત્નીની સારવાર કરાવીને સાંજના સમયે દેવેન્દ્રભાઇ ફાર્મ હાઉસ પર પરત આવ્યા હતા. ત્યારે આવીને જોયું તો ડાઇનિંગ ટેબલ પર રાખેલ બેગમાંથી રૂ. 1.50 લાખ રોકડા ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું.
ત્યારબાદ સીસીટીવી ચેક કરતા ગત. તા. 9 મી જુલાઈની રાત્રિના આશરે પોણા અગીયાર વાગ્યાના અરસામાં બે અજાણ્યા ઈસમો ફાર્મ હાઉસના પાછળના ભાગે શકરાજી ઠાકોરના ઘર તરફથી ફાર્મનો વરંડો કુદીને અંદર ઘુસ્યા હોવાનું જોવા મળ્યું હતું. આ બંને ઈસમો ફાર્મ હાઉસના ગૌશાળા નજીકની ઓસરીની ખુલ્લી રહી ગયેલી જાળી માંથી ફાર્મ હાઉસમાં પ્રવેશ્યા હતા. અને રાત્રિના આશરે બારેક વાગ્યાના અરસામાં પરત જતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. હાલ આ ઘટના અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
