ઓઢવ રીંગરોડ પર ટ્રેલરે એક્ટિવાને અડફેટે લેતા ટાયર તેના પર ફરી વળતા યુવતીનું મોત

શહેરમાં વધુ એક વખત ભારે વાહનને એક વ્યક્તિનો જીવ લીધો છે. ઓઢવ રીંગરોડ ચાર રસ્તાથી નિકોલ તરફ જતા સર્વિસ રોડ પર પહોંચતા એક ટ્રેલરના ચાલકે પુરઝડપે યુવતીના એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી રસ્તા પર પટકાઈ પડેલી યુવતી પરથી ટ્રેલરનું ટાયર ફળી વળ્યુ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નિકોલમાં રહેતી 24 વર્ષીય માનસી બુટાણી ઓઢવ ખાતે એક કંપનીમાં કેમીસ્ટ તરીકે નોકરી કરતી હતી. ગુરૂવારે માનસી નોકરીથી નીકળીને એક્ટિવા લઇને ઘરે જતી હતી. ત્યારે ઓઢવ રીંગ રોડ ચાર રસ્તાથી નિકોલ તરફ જતા સર્વિસ રોડ પાસે પહોંચી ત્યારે પુરઝડપે આવી રહેલ ટ્રેલરના ચાલકે તેને ટક્કર મારી હતી. ટ્રેલરના ચાલકે ટક્કર મારતા માનસી રોડ પર પટકાઇ હતી. બીજી બાજુ ટ્રેલરનું પાછળનું ટાયર માનસી પર ફળી વળ્યુ હતુ. જેના કારણે ગંભીર ઈજાઓ થતા માનસીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ જતા ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Social