મેઘાણીનગરમાં ઘર આગળથી રિક્ષા લઇને હટી જવાનું કહેતા પાંચ શખ્સોએ યુવક પર ચપ્પુથી હુમલો કર્યો
મેઘાણીનગરમાં ઘર આગળ શખ્સ રિક્ષામાં ટેપ વગાડતો હતો. જેથી યુવકના પિતાને કેન્સરની બિમારી હોવાથી તેને શખ્સને ત્યાંથી જતા રહેવાનું કહેતા પાંચ શખ્સોએ યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તેમજ યુવકના પિતા અને ભાઇ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. આ અંગે યુવકે પાંચેય શખ્સો સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
મેઘાણીનગરમાં રહેતો 25 વર્ષીય રૂપેશભાઇ પટણી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 11 જુલાઇએ બપોરના સમયે તે ઘરે હતો ત્યારે ઘર આગળ રિક્ષામાં સાહિલ પટણી ટેપ વગાડતો હતો. જેથી રૂપેશે બહાર જઇને કહ્યુ કે પિતાને કેન્સરની બિમારી છે તો તુ અહિથી રિક્ષા આગળ લઇને જા કહેતા જ સાહિલે ઉશ્કેરાઇને બિભત્સ ગાળો બોલીને ત્યાંથી જતો રહ્યો હતો. તેની અદાવત રાખીને સાંજના સમયે રાકેશ પટણી, રિશી પટણી, પ્રકાશ પટણી અને ઉમેશ પટણી રૂપેશના ઘર પાસે આવ્યા હતા. ચપ્પુ વડે રૂપેશભાઇ પર હુમલો કર્યો હતો. ત્યારે રૂપેશનો ભાઇ રાહુલ અને પિતા પુનમભાઇ છોડાવવા વચ્ચે પડતા તેને પણ તમામે ભેગા મળીને માર માર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા તમામે રિક્ષા બાબતે કંઇ કહ્યુ તો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. તેમજ ઇજાગ્રસ્ત રૂપેશને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે રૂપેશે પાંચેય શખ્સો સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
