અમદાવાદમાં લાગેલા હોર્ડિંગનો મામલો : હોર્ડિંગ્સની મજબૂતાઇ ચેક કરીને રીપોર્ટ હાઈકોર્ટ સમક્ષ મુકાશે

અમદાવાદની એક મહિલા સામાજીક કાર્યકર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ રોહિત પટેલ મારફતે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી. જેમાં અરજદારે જણાવ્યુ હતું કે તાજેતરમાં હોર્ડિંગ પડવાથી મુંબઈમાં દુર્ઘટના સર્જાઈ હતી, અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીથી અનેક લોકો ભોગ બને છે. રાજકોટ અને હરણી દુર્ઘટના તેનું ઉદાહરણ છે. અરજદારના એડવોકેટ પોતે AMC માં કાઉન્સિલર રહી ચૂકયા છે. તેમને અંદર ચાલતી બાબતોની ખબર છે. શહેરમાં ઘણી જગ્યાએ ગેરકાયદેસર હોર્ડિંગ લાગેલા છે. AMC એ તેની મંજૂરી પણ આપી નથી. અરજદારે AMC કમિશ્નરને પણ પત્ર લખ્યો હતો.

સિંગલ પોલ હોર્ડિંગ શહેરમાં અનેક જગ્યાએ લાગેલા છે. જેની મંજૂરી હોતી નથી. આવા હોર્ડીંગ વરસાદ અને પવનમાં સરળતાથી પડી જાય છે.અરજદારે અમદાવાદ શહેરમાં લાગેલા સિંગલ પોલ હોર્ડિંગના ફોટા પણ અરજી સાથે જોડ્યા હતા. જેમાં સિંધુભવન, જજીસ બંગલો, બોડકદેવ, સી.જી.રોડ, સાયન્સ સીટી વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. અરજી સાથે જુદી જુદી સમાચાર સંસ્થાઓના અહેવાલો પણ જોડવામાં આવ્યા હતા. આજે એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે અરજદાર ગેરકાયદેસર હોર્ડિંગ્સનું લીસ્ટ આપે તેને ઉતારવામાં આવશે ! અરજદારના કહ્યા પ્રમાણે શહેરમાં 100 જેટલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ લાગેલા છે. પરંતુ ઓથોરિટી હોર્ડિંગ્સની સ્ટેબિલિટી ચેક કરે છે. AMC ના જણાવ્યા મુજબ શહેરમાં એક પણ હોર્ડિંગ્સ ગેરકાનૂની નથી. એડવોકેટ જનરલે પોતે સિંધુભવન રોડ ઉપર જઈને હોર્ડિંગ્સ જોયા છે, તેનું સ્ટ્રક્ચર યોગ્ય છે.

કોર્ટે કહ્યું હતું મુંબઈની ઘટના જોઈને કોર્ટ કોઈ ચાન્સ લેવા નથી માંગતી. ત્રણ અઠવાડિયાની અંદર અમદાવાદમાં લાગેલા તમામ હોર્ડિંગ્સનો સ્ટેબિલિટી રીપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે અને બાદમાં તેની ઉપર એક્શન ટેકન રિપોર્ટ આપવામાં આવે. એડવોકેટ જનરલે કહ્યું હતું કે અમદાવાદમાં 02 હજારથી વધુ હોર્ડિંગ્સ લાગેલા છે. જો કે કોર્ટે ચોમાસામાં હોર્ડિંગ્સ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી. હવે કોર્ટના આદેશથી AMC અમદાવાદ શહેરમાં લાગેલા તમામ હોર્ડિંગ્સનો રીપોર્ટ કોર્ટને આપશે. ફોલ્ટવાળા સ્ટ્રકચરને દુર કરાશે. ચોમાસા પહેલા AMC આ કાર્યવાહી કરતું હોય છે, પરંતુ કોર્ટના આદેશથી ફરી આવી તપાસ કરવામાં આવશે. જેનો રિપોર્ટ એસ્ટેટ ઓફિસર એફિડેવિટ ઉપર આપશે. જો કે એડવોકેટ જનરલે કહ્યું હતું કે આંતરીક સ્પર્ધાના કારણે આવી અરજી કરવામાં આવે છે. આ મુદ્દે વધુ સુનવણી 02 ઓગસ્ટે હાથ ધરાશે.

Social