અમરાઈવાડીમાં સામાજિક કામે જતા PSI પર ચાર વ્યક્તિનો હુમલો
અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ કવાર્ટરમાં વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા PSI સમાજની એક યુવતીના લગ્ન બાબતે સમાધાન માટે જતા 4 વ્યક્તિઓએ હુમલો કર્યો હતો.
અમરાઈવાડીમાં રહેતા મહેશકુમાર વર્મા શાહીબાગ હેડ ક્વાર્ટરમાં વાયરલેસ શાખામાં PSI તરીકે ફરજ બજાવે છે. રાત્રેે તેમના સંબંધી અજય વર્મા તેમના ઘરે આવ્યા હતા. અને રાજેન્દ્રસિંહની પુત્રીના લગ્ન થતા હોય પરંતુ લગ્ન ન થાય તે માટે ઓઢવમાં રહેતો જીતુ નામનો શખ્સ ઝઘડો કરી રહ્યો છે. જેથી તેને સમજાવવા સાથે આવવાનું કહેતાં તેઓ રાજેન્દ્રસિંહના ઘરે જવા માટે નીકળયા હતા. દરમિયાન સત્યમનગરના ઓમનગર પાસે શિવા મિશ્રા, પવન રાજપૂત, હની રાજપૂત અને નિરજ પાસી નામના ચાર શખ્સો ત્યાં ઊભા હતા. આ ચારેએ તેમની પાસે આવીને કહ્યુ હતુ કે તમે પોલીસમાં નોકરી કરતા હોય તો અમારુ શું બગાડી લેશો અમે છોકરીના લગ્ન થવા દઈશું નહીં. ત્યારબાદ ચારે ગાળો બોલી તકરાર કરવા લાગ્યા હતા અને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યુ હતુ. આ વખતે પવન રાજપૂતે તેના પેન્ટમાંથી લોખંડનો પંચ કાઢીને મહેશભાઈને મારવા લાગતા તેમને જમણી આંખના અંદરના ભાગે તથા જમણી આંખની ભમ્મર ઉપર લાગતા લોહી નીકળવા લાગ્યા હતું. આ વખતે અજય વર્માએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા અને તેમને વધુ માર મારવાથી બચાવ્યા હતા. આ ચારેએ જતા જતા ધમકી આપી હતી કે તમે પોલીસમાં છો તો અમારુ શું બગાડી લેશો હવે પછી ઘાટમાં આવશો તો જાનથી મારી નાંખીશુ. ત્યારબાદ મહેશભાઈએ એલ જી હોસ્પિટલમાં સારવાર લીધી હતી આ અંગે મહેશભાઈની પત્ની કંચનબેન વર્માએ અમરાઈવાડી પોલીસમાં ચાર સામે ફરિયાદ નોંધાવી છે.
