જયરાજસિંહના પુત્રની જામીન અરજી પર 7 ઓગસ્ટે હાઇકોર્ટમાં સુનાવણી
ગત 30 મે, 2024ના રોજ જુનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકી સાથે જૂનાગઢમાં વાહન ચલાવવા જેવી બાબતે ગણેશ જાડેજા અને તેની સાથે રહેલા શખસોએ સંજય સોલંકી સાથે મારામારી અને અપહરણ કરી ગોંડલ લઈ ગયા હતા. ધારાસભ્ય એવા ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર એવા જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ પર સંજય સોલંકીએ ઢોર માર માર્યા બાદ વીડિયો બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપી સામે અપહરણ, મારામારી, હત્યાની કોશિશ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. એમાં પોલીસે તમામ 11 આરોપીને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
જ્યોતિરાદિત્યસિંહ સહિત 5 લોકોએ જૂનાગઢની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેને કોર્ટે ફગાવી દેતાં ગણેશ ગોંડલ હાઈકોર્ટ પહોંચ્યો હતો. જેની આ અરજી ઉપર સુનાવણી થઈ શકી નહોતી. હવે આ મામલે આગામી 7 ઓગસ્ટ, 2024ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગણેશ ગોંડલની 5 જૂને ધરપકડ કરવામાં આવી હતી અને તે 40 દિવસથી જેલમાં બંધ છે અને હવે 7 ઓગસ્ટે સુનાવણી થવાની છે. આમ હજુ 22 દિવસ સુધી જેલમાં રહેવું પડશે.ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્યસિંહ અને અન્યો વિરૂદ્ધ IPC ની કલમ 143, 147, 148, 149, 307, 365, 323, 504, 506(2) અને આર્મ્સ એકટની કલમ 25(1-b)(a) તેમજ એટ્રોસિટી એકટની કલમ 3(2)(5) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે જામીન મેળવવા તેમણે નીચલી કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી રદ કરી દેવામાં આવતાં હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
વિસાવદરના મોણપરી ખાતે દલિત સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દલિત સમાજના પ્રમુખે સમાજ પર થતા અત્યાચારોને લઈ આગામી 15 ઓગસ્ટના ગાંધીનગર મુખ્યમંત્રી, રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ ગણેશ ગોંડલ કાંડ મામલે વહેલી તકે ન્યાય નહીં મળે તો દલિત સમાજના 150થી વધુ પરિવારો સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. જેને લઇ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને આગેવાનો ધર્મ પરિવર્તન કરવા માટેના ફોર્મ લેવા પહોંચ્યા હતા.
