રોકાણ કરાવી આધેડ દંપતીને 27 લાખનો ચૂનો લગાવ્યો

નવા વાડજમાં રહેતા અમૃતલાલ મનસુખભાઇ કોષ્ટી નિવૃત્ત જીવન ગુજારે છે. નિવૃત્તિ બાદ તેમના જુદી જુદી બેંકના ખાતામાં કુલ 18 લાખા રૂપિયા જમા થયા હતા. જ્યારે તેમણે ફરજ દરમિયાન મિત્રોને આપેલા પૈસા પણ પરત આવતાં તે પણ બેંકમાં જ હતા. અમૃતલાલને પોસ્ટમાં રોકાણ કરવું હોવાથી તે નજીકની શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસ ખાતે ગયા હતા, ત્યારે ત્યાં એજન્ટ તરીકે કામ કરતા તેજસ જશવંત શાહે જણાવ્યું હતું કે, તે પત્રકાર કોલોનીમાં રહે છે અને સ્થાનિક વિસ્તારના તમામ લોકોનું પોસ્ટમાં કામ તે જ સંભાળે છે.

      અમૃતલાલ રોકાણ કરવા માટે તેજસની ઓફિસમાં ગયા ત્યારે ત્યાં અલ્પેશ પટેલ હાજર હતા. અલ્પેશે તેજસની ઓફિસમાં ઘણા સમયથી કામ કરતો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે 2017માં અમૃતલાલે પોસ્ટમાં પોતાનું મંથલી ઇન્કમ સ્કીમનું ખાતું ખોલાવ્યું હતું. જે ખાતામાં પાકતી મુદતે રકમ 4.50 લાખ થઇ હતી. જે રૂપિયા તેજસે તેમની જાણ બહાર જ તેમની ચેકવાળા સહીથી વિડ્રો કરી લીધા હતા. અમૃતલાલના દીકરાના પણ 4.50 લાખ આવી જ રીતે વિડ્રો કરી દીધા હતા. આ ઉપરાંત અમૃતભાઇ અને તેમના પત્ની ગંગોત્રીબેનને પણ 4.50 લાખની બબ્બે એક ચાર ટર્મ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કર્યું હતું. જે પાકતી મુતદે 18 લાખ રૂપિયા થતા હતા. તે પણ તેજસે પડાવી લીધા હતા. જોકે તપાસ કરતાં તેજસ અને તેની પત્નીએ અમૃત કોષ્ટીને પોસ્ટની બોગસ પાસબુક આપીને જ તેમની સાથે ઠગાઈ કરી હતી. અમૃતલાલ કોષ્ટી સાથે 27 લાખની ઠગાઇ કરનાર તેજસ અને તેનીપત્ની ગીરા વિરુદ્ધ તેમણે ફરિયાદ નોંધાવતાં ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી.
Social