અમદાવાદ કોર્પોરેશને આ સારું કામ કર્યું ! 1 મહિનામાં 11 લાખથી વધુ વૃક્ષ વાવ્યા, 30 લાખનો ટાર્ગેટ
અમદાવાદ કોર્પોરેશનની એક સરાહનીય કામગીરી સામે આવી છે.. આમ તો પોતાના કામથી હંમેશા નેગેટિવ રીતે ચર્ચામાં રહેતી કોર્પોરેશન આ વખતે પ્રશંસા મેળવી રહી છે.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગ્રીન કવર વધારવા માટે વૃક્ષ વાવવાનું અભ્યાન શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે ગરમીના પારાને કંટ્રોલમાં રાખી શકાય, દેશ સહિત સમગ્ર વિશ્વમાં વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે, જેના પગલે ગરમીનો પારો ખુબ જ ઉપર પહોંચ્યો છે.
અમદાવાદમાં 30 લાખ વૃક્ષ વાવવાનું લક્ષ્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યું છે. ગત 22 જૂનથી આ વૃક્ષ વાવવાનું અભિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરુ પણ કરી દેવામાં આવ્યુ છે, જે પૈકી અત્યાર સુધીમાં AMC દ્વારા 11 લાખ 34 હજાર 673 વૃક્ષ વાવવામાં આવ્યા છે.
પૂર્વ ઝોનમાં વૃક્ષ સૌથી વધુ રોપાયા
શહેરના પૂર્વ ઝોનમાં 3 લાખ 27 હજાર 711 વૃક્ષ રોપવામાં આવ્યા છે તો સૌથી ઓછા મધ્ય ઝોનમાં માત્ર 12 હજાર વૃક્ષ વાવવામાં આવ્યા છે. આ વખતે અભિયાનમાં જોડાવવામાં લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી, જેમાં 1,665 સોસાયટીઓ દ્વારા નોંધણી કરવામાં આવી હતી, જે પૈકી 865 સોસાયટીમાં છોડ પહોંચાડી દેવામાં આવ્યા છે.
AMCએ શરૂ કર્યુ આ અભિયાન
આપને જણાવી દઇએ કે આ વખતે મોટા છોડ જ રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આગામી સમયમાં શહેરમાં ગ્રીન કવર વધારી શકાય. મહત્વનું છે કે અગાઉ રોપવામાં આવેલા છોડ પૈકી 60થી 65 ટકા જ વૃક્ષ જીવિત રહે છે, જ્યારે 35થી 40 ટકા વૃક્ષ બળી જાય છે. જેની પાછળ તર્ક એવો આપવામાં આવ્યો છે કે વૃક્ષને અન્ય જગ્યાથી ખસેડો તો તેને શોક લાગે છે જે તે સહન નથી કરી શકતું તો ઘણી જગ્યા પર જમીનની ગરમી પણ ઘણી વખત સહનના થાય તો ઝાડ બળી જતા હોય છે. આ સાથે જ લોકોને આ અભિયાનમાં જોડાવવા અને વૃક્ષ અંગેનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કારણ કે વૃક્ષો દ્વારા જ ગ્લોબલ વોર્મિગની અસરને મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે. ત્યારે કોર્પોરેશન અને શહેરીજનો સાથે મળીને ટુંક જ સમયમાં 30 લાખ વૃક્ષ વાવવાનું લક્ષ્ય પૂર્ણ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
