સાણંદ ITI ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગુજરાત સાયબર ક્રાઇમ સેલ – સીઆઈડી ક્રાઇમ – ગુજરાત રાજ્ય, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમદાવાદ રેન્જ તેમજ રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ, સાયબર સિક્યુરિટી ફોર્સ દ્વારા ઔદ્યોગીક તાલીમ કેન્દ્ર (આઇ.ટી.આઇ) સાણંદ ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ તેમજ નાગરિકોને ઇન્ટરનેટ અને ડિજિટલ ટેક્નોલોજીના સુરક્ષિત ઉપયોગ અંગે જાગૃત કરવાનો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત સાયબર ક્રાઇમ સેલનાં સ્ટેટ સાયબર પ્રમોટર (વર્લ્ડ રેકર્ડ હોલ્ડર) તેમજ સાયબર સિક્યુરિટી ફોર્સ નાં ગુજરાત રાજ્યનાં તાલીમ ડાયરેક્ટર વિશાલ શાહ દ્વારા સાયબર ગુનાઓના પ્રકારો, તેમને કેવી રીતે ટાળવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ઓનલાઇન છેતરપિંડી, ફિશિંગ, હેકિંગ અને સોશિયલ મીડિયા ગુનાઓ જેવા વિષયો પર પણ પ્રકાશ પાડ્યો હતો.
આ ઉપરાંત, સાયબર સુરક્ષાનાં પોતાના અનુભવો અને હાલમાં જ બનેલાં બનાવોની ઝાંખી આપીને હાલમાં ચાલી રહેલાં સાયબર ગુનાઓ વિશે ખૂબ સરળ ભાષામાં માહિતી આપી હતી. આ કાર્યક્રમ દ્વારા નાગરિકો, ખાસ કરીને યુવાનોને ઇન્ટરનેટનો સુરક્ષિત અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત સાયબર ક્રાઇમ સેલ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમદાવાદ રેન્જ ના પો.સ.ઇ રોહિત ખરાડી , ટે.ઓ સમીર મન્સુરી તેમજ હે.કો પ્રકાશભાઇએ પણ આ કાર્યક્રમમાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમ રોકવા અંગેના અભિયાનમાં પોતાનો મહત્તમ યોગદાન આપવા તથા સોસ્યલ મિડીયાનો ઉપયોગ કરતી વખતે રાખવાની સાવધાની બાબતે સમજણ આપવામાં આવી તેમજ આ કાર્યક્રમનાં આયોજન બદલ તમામ સંસ્થાઓ, ઔદ્યોગીક તાલીમ કેન્દ્ર(આઇ.ટી.આઇ) સાણંદના આચાર્ય પ્રિંકલ પરમાર કાર્યક્રમમાં હાજર તમામ સહભાગીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા જ આપણે ડિજિટલ ગુનાઓને રોકી શકીએ છીએ અને સમાજને વધુ સુરક્ષિત બનાવી શકીએ છીએ.

