SG હાઈવે પર ઝાડ કાપવા બદલ ચિત્રા(બી) પબ્લિસિટીની આનાકાની, ઝવેરી એન્ડ કંપનીએ દંડ ભર્યો
શહેરના એસજી હાઇ-વે અને સોલા સાયન્સ સિટી રોડ પર જાહેર ખબર એજન્સી દ્વારા પોતાની જાહેરાત જોઈ શકે તેના માટે ઝવેરી એન્ડ કંપની તેમજ ચિત્રા (બી) પબ્લીસિટી નામની બે એજન્સીઓ દ્વારા 536 ઝાડ કાપી નાખવામાં આવ્યાં હતાં. AMC દ્વારા બંને કંપનીઓને 50-50 લાખ એમ કુલ એક કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. એક મહિના બાદ ઝવેરી એન્ડ કંપની દ્વારા રૂ. 50 લાખનો દંડ ભરવામાં આવ્યો છે, જ્યારે ચિત્રા (બી) પબ્લીસિટી કંપની દ્વારા હજી સુધી પોતે ઝાડ ન કાપ્યા હોવાનો દાવો કરી દંડની રકમ ભરવામાં આવી રહી નથી. એક તરફ સામાન્ય નાગરિક જ્યારે કોઈ નિયમ તોડે છે તો મ્યુનિસિપલ કમિશનર દંડ ઉઘરાવવા માટે ટાર્ગેટ આપે છે પરંતુ, એક કંપની જ્યારે ઝાડ કાપ્યા હોવાની ગાર્ડન વિભાગ પોતે રજૂઆત કરે છે છતાં પણ એસ્ટેટ વિભાગ તેના પુરાવા માંગી બચાવ કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટ જણાય છે.
શહેરમાં અલગ-અલગ સ્થળોએ 512 જેટલા ઝાડ કાપવા મામલે ઝવેરી એન્ડ કંપની લિમિટેડે એક મહિના બાદ રૂપિયા 50 લાખનો દંડ ભરી દીધો છે અને તેઓને સજા પેટે 2000 જેટલા વૃક્ષો વાવવા માટે જણાવવામાં આવ્યું હતું, તેની પણ તૈયારી દર્શાવી દીધી છે. જ્યારે ચિત્રા (બી) પબ્લીસિટી નામની જાહેર ખબર એજન્સી દ્વારા પોતે ઝાડ ન કાપ્યા હોવા અંગેની જાણ કરી હતી. જેથી એસ્ટેટ વિભાગ દ્વારા ગાર્ડન વિભાગને પત્ર લખીને ઝાડ ન કાપ્યા હોવા અંગે જણાવ્યું હતું.
