શહેર પોલીસે હથિયારની હેરાફેરીની પર્દાફાશ કરીને 2 આરોપીની ધરપકડ કરી
શહેર પોલીસે હથિયારની હેરાફેરીની પર્દાફાશ કરીને 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ મધ્યપ્રદેશથી હથિયાર લાવીને રાજસ્થાન વેચાણ કરતા હતા. રાજસ્થાનના કુખ્યાત ગુનેગારોએ હથિયાર મંગાવ્યા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. રામોલ પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
રામોલ પોલીસને બાતમી મળી હતી કે, આરોપીઓ CTM એક્સ્પ્રેસ હાઇવે પરથી હથિયારની ફેરફેરી કરવાના છે. જેના આધારે પ્રયાગસિંગ જોધા અને અંસુમાન સિંગ દેવડા નામના બે આરોપીઓની ધરપકડ કરીને 3 પિસ્ટલ અને 10 જીવતા કાર્ટુસ કબ્જે કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પકડાયેલા આરોપીમાં પ્રયાગરાજસિંગ જોધા મુખ્ય સૂત્રધાર છે. જે હથિયારોની હેરાફેરી કરે છે. મધ્યપ્રદેશથી સસ્તી કિંમતમાં હથિયારો ખરીદીને રાજસ્થાનમાં ઊંચા ભાવમાં વેચાણ કરે છે. જ્યારે અન્ય આરોપી અંશુમાન સિંગ બસમાં મળ્યો હતો. જે બાદ મિત્રતા થતા તેને હથિયારોની હેરાફેરી કરવામાં મદદગારી કરી હોવાથી પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ પૂછપરછમાં આરોપી પ્રયાગસિંગ મધ્યપ્રદેશથી વસંતસિંગ નામના આરોપી પાસેથી રૂપિયા 15 હજારમાં એક પિસ્ટલ ખરીદીને લાવ્યો હતો અને રાજસ્થાનમાં 25 હજારમાં વેચાણ કરવાનો હતો. આ હથિયાર રાજસ્થાનના કુખ્યાત વોન્ટેડ આરોપી અશોક બિશ્નોઈ અને ભવાની ચૌધરીને આપવાનો હતો. જેમાં બે હથિયાર ખરીદવા અશોક બિશ્નોઈએ રૂપિયા 40 હજાર ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીને પ્રયાગને મોકલ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.પકડાયેલા આરોપી પ્રયાગસિંગ જોધા વિરુદ્ધ રાજસ્થાનના ફલસૂન પોલીસ સ્ટેશનમ, શહેરગઢ પોલીસ સ્ટેશન અને ઓસીયા પોલીસ સ્ટેશનમાં આમ્સ એક્ટ હેઠળ 3 ગુના નોંધાયા છે. એટલું જ નહીં સુરતમાં ચોરીનો ગુનો પણ નોંધાયો છે.
