37 લાખની સામે પોણા બે કરોડ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા વ્યાજખોર સામે ફરિયાદ

ગાંધીનગરમાં નિવૃત અધિક મદદનીશ ઈજનેર વ્યાજના વિષચક્રમાં ફસાયા છે. ઈજનેરે સંતાનોના મેડિકલનાં અભ્યાસ અર્થે લીધેલા 37.65 લાખની સામે મૂડી – વ્યાજ પેટે 1 કરોડ 98 લાખથી વધુની રકમ ચૂકવી દીધી હોવા છતાં 22 લાખ 45 હજારની બાકી ઉઘરાણીનો હિસાબ કાઢીને વ્યાજખોરએ પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

સેકટર-7માં રહેતા નિવૃત અધિક મદદનીશ ઈજનેરના પરિવારમાં પત્ની-દીકરો દીકરી છે. બંને સંતાનોને મેડિકલના અભ્યાસ અર્થે પૈસાની જરૂરિયાત ઊભી થતાં તેમણે ફેબ્રુઆરી-2014માં 1 લાખ અને ત્યારબાદ જુદી જુદી તારીખે અલગ-અલગ રકમ જુદા-જુદા માસિક વ્યાજ દરે ઓળખીતા વિપુલ હીરાલાલ પઢીયાર પાસેથી લીધી હતી. છેલ્લે ઓગસ્ટ​​​​​​​-2022માં તેમણે 50 હજાર વ્યાજે લીધા હતા. આમ કુલ મળીને તેમણે રૂ.10.95 લાખ 10 ટકા માસિક વ્યાજે તેમજ રૂ. 25.70 લાખ 5 ટકા વ્યાજે મળીને કુલ રૂ. 36.65 વિપુલ પઢીયાર પાસેથી લીધા હતા. જેની સિક્યુરિટી પેટે કુલ 6 ચેક અને પ્રોમીસરી નોટ પણ આપી હતી.બાદમાં મૂડી વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સહીત ઘર, જમીન તથા ઘરેણા વેચી કુલ રૂ.1 કરોડ 98 લાખ 11 હજાર રોકડા અને આંગડીયા મારફતે જુદી જુદી તારીખે ચૂકવી આપ્યા હતા. તેમ છતાં વિપુલ પઢીયાર 22 લાખ 45 હજારની બાકી ઉઘરાણી કરતો હતો. વધુ વ્યાજની રકમ માટે દબાણ કરી ફોનમાં ગાળો આપી વ્યાજ નહિ આપે તો મૃત્યુ નિપજાવવાના ભયમાં મૂકી તેમજ તેની મિલકત બળજબરીથી કઢાવી લઈશ તેમજ રકમ ચુકવવા પજવણી કરી ઉઘરાણી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેનાં પગલે નિવૃત અધિક મદદનીશ ઈજનેરની ફરીયાદના આધારે સેકટર​​​​​​​-7 પોલીસે વ્યાજખોર વિપુલ પઢીયાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Social