સોલા પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલો દુષ્કર્મનો આરોપી દાહોદથી ઝડપાયો
કુદરતી હાજતના બહારે પોલીસ લોકઅપમાંથી બહાર નિકળી ફરાર થયેલા આરોપીને અંતે પોલીસે ઝડપી પાડ્યો છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સમગ્ર બનાવ એક સપ્તાહ પહેલા બન્યો હતો. જે આરોપીને પકડવા અલગ અલગ જિલ્લાઓમાં ટીમ મોકલવામાં આવી અને અંતે તેના વતનમાં આરોપી આવતા પકડી પાડવામાં આવ્યો છે.
સોલા પોલીસે મેહુલ નટવરભાઈ પરમાર નામનાં આ આરોપીની બીજી વાર ધરપકડ કરી છે. કારણ કે આ આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. ગત 13 જુલાઈ 2024ના રોજ સવારના 8 વાગ્યાના અરસામાં સોલા હાઈકોર્ટનાં લોકઅપમાં રહેલા દુષ્કર્મના આ આરોપીએ પોલીસ સ્ટેશનમાં PSO તરીકે હાજર શામળભાઈ ગાંડાભાઈ નામનાં હેડકોન્સ્ટેબલને પોતાને કુદરતી હાજતે જવુ હોય અને લોકઅપનું ટોયલેટ બ્લોક થઈ ગયુ હોવાનું જણાવ્યું હતું. જેના કારણે પોલીસકર્મીએ તેને લોકઅપમાંથી બહાર કાઢી પોલીસના ટોયલેટમાં કુદરીતી હાજત માટે મોકલતા તે ત્યાં ટોયલેટની બારીની ગ્રીલ તોડીને ફરાર થઈ ગયો હતો. જે અંગે વધુ એક ગુનો નોંધાયા બાદ પોલીસે તેને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડી અને અંતે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. મેહુલ નટવરભાઈ પરમાર નામના આ આરોપીની સોલા પોલીસે 10 જુલાઈએ ધરપકડ કરી હતી અને 15 મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. ઝડપાયેલા આરોપી સામે ગત જુન મહિનામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ગુનો સોલા પોલીસ મથકે નોંધાયો હતો, જેમાં તે સગીરાને ભગાડીને લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
જે મામલે સોલા હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી વસ્ત્રાલ વિસ્તારમાં બાંધકામની સાઈટ ઉપર હોવાની માહિતીના આધારે ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર થતા પોલીસ કમિશનરે સોલાના પીએસઓ શામળભાઈ ગાંડાભાઈને સસ્પેન્ડ કર્યા હતા. બનાવ બાદ સોલા પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં પીએસઆઈ એચ.બી ગઢવી, હેડ કોન્સ્ટેબલ અનોપસિંહ જેસંગભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ પરબતસિંહ અને વિરસીંહ પ્રવિણસિંહ તેમજ બીજી ટીમમાં પીએસઆઈ આર.કે મકરાણી, ASI નિરજસિંહ સભાજીસિંહ રાજપુત, પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ બળદેવભાઈ, અજીતસંગ નારણસંગ અને મુકેશભાઈ કાનજીભાઈ દ્વારા 19 જુલાઈએ રાત્રે લીમખેડાના દુધીયા ગામના ચિભડીયા વિસ્તારમાંથી સોલા પોલીસના ડી સ્ટાફના હાથે ઝડપાઈ ગયો હતો. આરોપીને પકડવા માટે 13 જુલાઈથી સોલા પોલીસની ટીમ દાહોદમાં અલગ અલગ રીતે આરોપીને શોધતી હતી, તેવામાં પોલીસની મહેનત રંગ લાવી છે.
આ આરોપીએ ફરાર થયા બાદ તેના વતનના આજુબાજુના અન્ય મજુરનો મોબાઈલ નંબર મેળવી પોતે કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે તેમ જણાવી પોતાના ભાઈ રાહુલ પરમારનો સંપર્ક કર્યો હતો. જે બાદ ભાઈ પાસેથી ઓનલાઈન પૈસા મેળવી અલગ અલગ વિસ્તારોમાં નાસતો ફરતો હતો અને ખેડા પહોંચી ત્યાંથી દાહોદ પહોંચ્યો હતો.
