મણિનગરમાં પરિવાર સૂતો હતો ત્યારે ચોર કુલ રૂ. 8.69 લાખના મત્તાની ચોરી કરી ફરાર
મણીનગરની સુરભી એપાર્ટમેન્ટમાં રહેતો પરિવાર રાત્રીના સમયે સુતો હતો, ત્યારે ચોર બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરીને તિજોરીમાં મૂકેલ રોકડ, સોનાના દાગીના તથા મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 8.69 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે મણીનગર પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
મણીનગરના સુરભી એપાર્ટમેન્ટમાં રહેતા 34 વર્ષીય અનુરાગ પાંડે ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. શુક્રવારે નોકરી કરીને રાત્રીના સમયે ઘરે ગયા હતા. મોડી રાત્રે તેઓ બેડરૂમમાં જઈને સુઈ ગયા હતા અને વહેલી સવારે ઉઠ્યા ત્યારે તેમનો મોબાઈલ ફોન ન હતો. સાથે જ ઘરની તિજોરીમાં મુકેલા દાગીના તથા રોકડ પણ ન હતી. જેથી તપાસ કરાવતા કોઈ અજાણ્યો શખ્સ ઘરની બાલ્કનીમાંથી પ્રવેશ કરીને બેડરૂમમાં મૂકેલ મોબાઈલ તથા તિજોરીમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.8.69 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે અનુરાગભાઈએ અજાણ્યા શખ્સ સામે મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
સરદારનગરમાં રૂ. 1000ની લેતી દેતીની તકરારમાં વચ્ચે પડેલ યુવક પર છરી વડે હુમલો
કૃષ્ણનગરમાં રહેતો 29 વર્ષિય નરેશ મારવાડી રિક્ષા ડ્રાઇવ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 19 જુલાઇએ રાત્રે સરદારગ્રામ રેલ્વે સ્ટેશન પર મિત્ર સાથે બેઠો હતો. ત્યારે મોટા ભાઇ કિશનના પુત્ર અર્જુન, મહેન્દ્ર તથા ગોપાલ ડોબાજી બાવરી સહિત ચાર લોકો નરેશ પાસે આવ્યા હતા. અને નરેશના મોટા ભાઇના પુત્ર રમેશ પાસેથી 1000 રૂપિયા હાથ ઉછીના લીધા હતા. પરંતુ તે પરત આપતા ન હતા. જેથી આ અંગે અવાર નવાર તેમની વચ્ચે ઝઘડા થતા હતા. તેથી ચારે લોકોને નરેશ ઝઘડો પતાવી દેવા અને અદાવત ન રાખવા સમજાવ્યું હતું. ત્યારે અમારા ઝઘડા વચ્ચે પડતો નહીં તેમ કહીને ચારેયે ગાળો આપીને મારા મારી કરી હતી. બાદમાં ગોપાલે છરીનો એક ઘા મારી દીધો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. ત્યારે તકનો લાભ લઇ ચારેય ત્યાંથી ભાગ્યા હતા. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ઘાયલ નરેશને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.આ અંગે નરેશે ચારેય શખ્સો સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
