ચાલોને આજે ફરી એક બારણું ખખડાવીએ..
તમે કયારેય એ નોંધ લીધી છે કે દુનિયામાં, જિંદગીમાં પ્રતિ વર્ષ બહુ ઝડપથી ઘટતી કોઈ બાબત હોય તો એ છે આત્મીયતા ભર્યા સબંધો..!
ક્યારેક આંખ બંધ કરીને આપણાં પોતાને થોડા પ્રશ્નો કરીએ…- પીઠ પર ધબ્બો મારી તું કહેનારા સબંધો કેટલા. ???
- ફોન કર્યા વગર સમય લીધાં વગર સીધાં’જ કોઈનાં ઘરે જઈ શકાય એવાં સબંધો કેટલાં.. ???
- કામ વગર, કારણ વગર, ફક્ત મળવાનું મન થયું માટે કે ઉમળકો થયો માટે જઈને મળી શકાય તેવાં *સબંધો કેટલાં..???- એક પગલું આગળ, જેનાં ઘરમાં રસોડા સુધી જઈ શકાય અને તાજાં બનતાં દાળ-ભાત ચમચીથી સીધો થાળીમાં લઈ ને ખાઈ શકાય એવાં ઘર કેટલાં..??- એ આવે ત્યારે પહેરણ અને લેંઘો પહેરીને બેઠા હોઇએ અને પેન્ટ પહેરવાં દોડવું ના પડે એવાં મિત્રો કેટલાં, ???- એનું કશુક નાં ગમે અને ધડ દઈ શબ્દો ગોઠવ્યાં વગર અસહમત થઈએ અને છતાં બીજી સવારે વાત થાય ત્યારે એની અસર નાં હોય એવાં સબંધ કેટલાં..???
આવા રોજબરોજનાં ઘણાં માપદંડ તારવી શકાય, પણ, જો આપણે પૂરતાં પ્રામાણિક હોઈશું તો દરેકનાં જવાબ શૂન્ય કે એકાદ જ આવશે…
એવુ શું થયું આપણાં સબંધોને..??? હવે તો એવું વિચારવાનો પણ સમય ક્યાં છે. ?
સંખ્યા વધી, વિસ્તાર વધ્યો, વ્યાપ વધ્યો પણ અંતરનું ઉડાણ ઘટ્યું. મોબાઈલમાં બે હજારથી વધુ સંપર્કો સેવ થયેલા છે પણ સ્ક્રોલ કરતી વેળા, ડાયલ કરવાનો ઉમળકો થાય એવાં નંબર ગાયબ છે.* આત્મીયતા ગુમ છે, દંભ દેખાડા વગર આમને સામને થઇ શકાય એવાં સંબંધો ગુમ છે…
નોકરીનાં સબંધો, આપણી વિદાયમાં ગળગળા અવાજે ભાષણ આપનાર, બીજી સવારે આપણને હૃદય અને મોબાઈલની મેમરીમાંથી ડીલીટ કરી નાખે છે. કારણ, ખપ પૂરો થયો છે…
સગપણનાં સબંધો, જ્ઞાતિનાં સબંધો, પાડોશી સંબંધોમાં પણ લગભગ આવું જ છે.. આપણે સબંધ નથીં બાંધતાં, આપણે સોશ્યલ નેટવર્કિંગ કરીએ છે.. ઓછામાં ઓછાં ખપમાં આવી વધુમાં વધુ ઉપયોગ કરી લેવાની વાત આવડત કે સ્માર્ટનેસ માં ખપે છે..
આ વાત વ્યવહાર પૂરતી સીમિત નથી, લાગણીની પણ લેણદેણ ચાલે છે, દર્દ, દુઃખ વહેંચવા છે, લેવા નથી, કહેવું છે સાંભળવું નથી, ખામીઓ કાઢવી છે પણ સુધારવામાં મદદ કરવી નથી, ક્યારેક અહંકારને પંપાળવા કોઈ જોઈએ છે, કોઈની ફોડલી પરતવેની સહનુભૂતિ એટલે છે કે, તેને પણ દુઃખે છે તેનો સંતોષ મળે છે .માટે સબંધો ખોખલા બની જાય છે.. ટોળાં વચ્ચે શૂન્યતા સર્જાય છે, ભીતરે આવાં જ પ્રતિસાદ બોદો આવે છે…
તો, હવે???
કુદરતે આપણને આ ધરતી પરના ઉત્કૃષ્ઠ જીવ તરીકે જન્મ આપ્યો છે, જેની પાસે ભુખ પણ છે અને સ્વાદ પણ છે, જેને વાસ્તવનું તર્કબધ્ધ વિશ્લેષણ પણ છે, સપનાં અને કલ્પના પણ છે. . તો, શાં માટે આમ શુષ્ક જીવવું..??
ચાલોને આજે ફરી એક બારણુ ખાખડાવીએ,
કોઈને સહજ આવવું ગમે એવો વ્યવહાર બનાવીએ,
મળીએ ત્યારે કશુંક લેવાં નહીં પણ કેવળ મળવાં જઈએ,
કદાચ પ્રતિસાદ “નાં” પણ મળે,
તો પણ…,
_ચાલો ને પ્રયાસ તો કરીએ.
