ગુરુ પૂર્ણિમા: જે કોઈના ગુણોનો હું ઋણી તે સૌ કોઈ મારા ગુરુ…!

સંસ્કૃત गुरु શબ્દએ બે શબ્દો, ‘ગુ’ એટલે અંધકાર અને ‘રૂ’ એટલે પ્રકાશની યુતી. આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકાર થી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિત. ભારતીય સંસ્કૃતિમાં ગુરુના મહિમાનું ખૂબ જ મહત્વ છે. વ્યવહારીક દ્રષ્ટિએ શિ઼ક્ષક અથવા માર્ગદર્શકને પણ ગુરુ તરીકે સંબોધવામાં આવે છે. સામાન્યતઃ ગુરુ શબ્દ હિંન્દુ, બૌધ્ધ તથા શીખ ધર્મમાં પ્રચલિત છે તેમ છતાં હાલના સમયમાં અન્ય ધર્મોમાં પણ ગુરુ શબ્દનો ઉપયોગ સામાન્યતઃ થતો જણાય છે. ગુરુ શબ્દને લઈને અન્ય એક સમજણ એવી પણ છે કે, ગુ અર્થાત અજ્ઞાન અને  રુ એટલે રોકનાર. જે અજ્ઞાનને રોકવામાં મદદરૂપ થાય છે તે ગુરુ. ગુરુના મહિમાની વાત કરીએ તો આપણે ત્યાં ગુરુને સર્વોચ્ચ સ્થાને ગણવામાં આવે છે. જેમ કે,

ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય”

અર્થાત, ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે. આમ, શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી વ્યક્તિત્વ હોઈ શકે છે. ઓશો રજનીશ ગુરુ નો અર્થ સમજાવતા કહે છે કે ગુરુ એટલે એવી મુક્ત થયેલી ચેતનાઓ, જે બિલકુલ બુદ્ધ અને કૃષ્ણ જેવી છે, પણ તમારા સ્થાન પર ઉભી છે, તમારી પાસે છે. થોડુક ઋણ શરીર પ્રત્યે તેનુ બાકી છે. તેને ચુકવવાની પ્રતીક્ષા છે, સમય ખૂબ થોડો છે…!

પરંતુ અહિયાં પ્રશ્ન એ થાય છે કે સાચા ગુરુ કોને ગણવા? કરણ કે આજકાલ તો આપણે ત્યાં ગુરુઓની કમી જ નથી. ચોરે ને ચોકે આપણને ગુરુ મળી જાય છે. અને આવા ગુરુઓ થકી શિષ્યોના જીવનમાં પ્રકાશ ફેલાવવાની વાતતો બહુ દૂર રહી પરંતુ તેઓ આડંબરોની આડમાં જીવનને ઘોર અંધકાર તરફ લઇ જતા નજરે ચઢે છે. આવા અનેક કલંકિત ગુરુઓને આપણે સૌ જાણીએ જ છીએ. તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલ બનાવ એ આપણા સમાજમાં ગુરુ અંગેની ગેરમાન્યતા અને ગેરસમજનું કરુણામય જીવંત ઉદાહરણ છે.

આપણે ત્યાં મહદઅંશે ગુરૂની ભૂમિકા અને ખ્યાલને ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી જ સીમિત કરી દેવામાં આવ્યા છે જે બિલકુલ યોગ્ય નથી. શાસ્ત્રો પણ સ્વીકારે છે કે આપણી પ્રથમ ગુરુ આપણી જન્મદાતા માતા છે. ત્યારબાદ પિતા અને પરિવારના સભ્યો. આપણે પ્રાચીનકાળથી ગુરુકુળ શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકને ગુરુનું સ્થાન આપ્યું છે. ગુરુકુળ શિક્ષણ વ્યવસ્થા મુજબ ગુરુના આચાર શિષ્યો માટે ઉદાહરણરૂપ હોવો જોઈએ. તેમના સદાચાર, નિયમિત નિત્ય ધર્મકર્મોમાં તેમની નિષ્ઠા, તેમનું શાસ્ત્રજ્ઞાન, પવિત્રતા, વ્યવહારબુદ્ધિ વગેરેનું ઉદાહરણ શિષ્યો અનુસરતા થાય તેવા હોવા જોઈએ. તૈત્તિરીય ઉપનિષદમાં સ્નાતક થયા પછી સ્વગૃહે જતા વિદ્યાર્થીને આચાર્યે આપેલી શિખામણ છે. તેમાં આચાર્ય કહે છે કે : ‘અમારાં સુચરિતોનું અનુસરણ કરજે. બીજાં દોષયુક્ત આચરણો તરફ લક્ષ આપીશ નહિ. કોઈ શાસ્ત્રના વિષયમાં કે આચરણના વિષયમાં તને સંદેહ થાય તો તારી નજીકના વિચારશીલ, સદાચારી, ઋજુ, ધર્મકામી લોકો પાસેથી એમનું સમાધાન મેળવજે.’ એટલે કે એ સમયે ગુરુ પોતાના ગુણદોષો વિશે સભાન રહેતા તથા શિષ્યોને તેમના સદગુણોનું જ આચરણ કરવા કહેતા. 

પરંતુ આજના આધુનિક યુગમાં જયારે ગુરુઓની સ્પર્ધામાં શિષ્યો ફસાયેલા જણાય છે ત્યારે સરળ ભાષામાં ગુરુને સમજવા અને ઓળખવાનો પ્રયત્ન કરીએ તો; દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ ક્ષણે જાણતા કે અજાણતા કોઈ એવી વ્યક્તિ, અન્ય કોઈ સજીવ જીવ કે કોઈ નિર્જીવ તત્વ આવે છે કે જેના થી આપણે પ્રેરાયીએ છીએ. આ પ્રેરણા જયારે આપણા જીવનને ઉજાસ તરફ લઇ જતી હોય ત્યારે આપણે સૌએ એ સમજવું રહ્યું કે તેમના ગુણોના આપણે ઋણી છીએ ને માટે તે આપણા ગુરુ.

Social