સાણંદમાં વકરી રહેલ ગટરની સમસ્યા અને “ગટરવેરો ” લાદવાની વાત
સાણંદએ ત્રીસેક વર્ષ પહેલા સીધું સાદું અને સીમિત એવું નગર હતું.જ્યાં બધું સુઆયોજિત રીતે ચાલતું હતું.ભારે વરસાદ એટલેકે ૧૦ ઇંચ ઉપર વરસાદ પડે તો જ માત્ર અને માત્ર નીચાણવાળા વિસ્તારોમાંજ પાણી ભરાતા હતા , ગામતળમાં આવેલા પોળો અને ગણી ગાંઠી સોસાયટીમાં વરસાદી પાણીના કુદરતી વહેણને કારણે પાણીના ભરાવાની સમસ્યા નહિવત હતી.છેલ્લા વીસેક વર્ષમાં સાણંદનો અકલ્પનિય ઔદ્યોગિક વિકાસ થયો ,ઔદ્યોગિક વિકાસની સાથે સાથે સાણંદ એક રહેવા લાયક શહેર બને અને અમદાવાદથી લોકો વસવાટ માટે સાણંદ તરફ વળે અને મેગાસિટી અમદાવાદનું ભારણ ઘટે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સાણંદના માળખાકીય વિકાસ માટૅ જે તે સમયે ૧૦૦ કરોડ જેટલી માતબર રકમની ગ્રાન્ટ ફાળવી પરંતુ આ વાતને ૧૫-૧૫ વર્ષ થયા છતાં સાણંદની સ્થિતિ સુધારવાની બદલે અને સમસ્યાઓ ઘટવાને બદલે વધતીજ જાય છે , છેલ્લ્લા ૧૫-૨૦ વર્ષમાં સાણંદમાં રોડ-રસ્તાને બાદ કરતા બીજા એકપણ ક્ષેત્રમાં કામ થયું હોય તેવું દેખાતું નથી, કારણ વહીવટી સંસ્થાઓના અધિકારીઓની અણઆવડત અને ઉદાસીન ઈચ્છા શક્તિ ,સાથે સાથે રાજકીય નેતાઓની અંગત સ્વાર્થ સિવાયના જાહેર મુદ્દાઓ પ્રત્યે નિષ્ક્રિયતા.પ્રજાના પૈસાનું પાણી થતુંજ રહે છે અને એક પણ કામ થતા નથી .ગટર યોજનાની વાત કરીએ તો છેલ્લા ૧૫-૨૦ વર્ષોથી સાણંદ પાલિકા , અ.મ્યુ.કો અને ઔડા એકબીજાને ખો આપીને છટકી રહ્યા છે.હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ગટર યોજનાનું કામ ૧૦ વર્ષથી શરુ થયું પણ આજદિન સુધી પૂરું થવાની વાત તો એક બાજુ પરંતુ જ્યાં જ્યાં ગટર જોડાણો અપાય છે ત્યાં પણ ગટરો ઊભરાવવાની સમસ્યા રોજિંદી બની છે,અને હાલ પૂરતું આ સમસ્યાનું કોઈ નિરાકરણ પાલિકા પાસે નથી. હવે આવી પરિસ્થિતિમાં પાલિકા ઠરાવ કરે છે “ગટર વેરો” લાગુ કરવાનો અને સ્વાભાવિક છે કે જનતાને આ વેરો મંજુર ના જ હોય. જેથી પબ્લિકે આ વેરાના જાહેરનામા સામે વાંધા અરજીઓ આપવાનું શરુ કર્યું છે.
આ મુદ્દે સાણંદ પાલિકા સાણંદમાં ગટર યોજનાની સ્થિતિ વિષે એવું કહે છે હાલ શહેરના અડધા વિસ્તારની ગટર લાઈનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)સાથે જોડાયેલ છે જયારે અડધા વિસ્તારમાં STP બન્યા નથી બીજી તરફ શહેરમાં ૩૦% વિસ્તારોમાં ગટર જોડાણો આપી દેવાયા છે જયારે બાકીના બાકી છે.પરંતુ સમસ્યા ત્યાં છે કે હાલ અપાઈ રહેલી ગટર યોજનાનું મેઇન્ટેનન્સ કરવા મહેકમ જ નથી એટલે ગટર અંગેની સમસ્યાઓ અંબેની પબ્લિકની રજૂઆતોનું કોઈ નિરાકરણ પાલિકા આપી શકતી નથી. સાણંદની હાલની પરિસ્થિતિ અને જરૂરિયાતોને જોતા અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ માટે 268 કરોડ જેટલી રકમ ફાળવી પરંતુ આ રકમ માત્ર ગટર યોજનાના નિર્માણ માટે છે ,મેન્ટેનન્સ તો પાલિકાને જ કરવાનું રહેશે જેથી આ મેન્ટેનન્સ માટે મહેકમ , સમારકામના સાધનો વસાવવા જેવી તમામ જરૂરિયાતો માટે ફંડ એકત્રિત કરવા માટે આ ગટરવેરાનો ઠરાવ કરવામાં આવ્યો છે. વળી પાલિકાનું કહેવું એવું છે કે આ વેરો જે લોકો હાલ ગટરવેરાની સગવડ લઇ રહ્યા છે એમના ઉપરજ લાગુ પડશે. અને જો આ વેરો લાગુ નહિ કરીએ તો મહેકમ અને સાધનોને અભાવે સાણંદના ગટરને લગતા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહિ આવે. આમ વેરા વગર ગટરયોજનાનું નિયમન શક્ય નથી તો બીજી તરફ રહીશો આ ગટરવેરો ભરવા તૈયાર નથી અને વાંધા અરજીઓ આપી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલો ગોટાળે ચઢ્યો છે ત્યારે પ્રશ્ન છે કે હવે શું ? હવે આ પ્રશ્નનું નિરાકરણ તો લાવવું જ પડે કારણ ગટર યોજના એતો પાયાની સુવિધા છે એના વિના ચાલે જ નહિ .
હવે સાણંદના રાજકીય અને સામાજિક આગેવાનોએ અને જાગૃત નાગરિકોએ એકત્ર થવું પડે અને એવી રજૂઆત અને માંગણી લઈને ઔડા પાસે જવું પડે કે જે ગટર યોજનાની રકમ ૨૬૮ કરોડની ફળવાઈ છે તેમાં જ્યાં સુધી સમગ્ર શહેરમાં ગટરયોજના સુઆયોજિત કાર્યરત ના થાય ત્યાં સુધી મેઇન્ટેનન્સ પણ આ રકમમાંથી ઔડા કરે અથવા ગટર યોજના સંપૂર્ણ બન્યા પ્રારંભિક એકાદ બે વર્ષનું મેન્ટેનન્સ ઔડા દ્વારા કરાય અથવા તેના માટે પાલિકાને અલગથી રકમ ફાળવવામાં આવે અને આ એકાદ બે વર્ષ સાણંદમાં સુઆયોજિત રીતે ગટરયોજનાનું નિયમન થાય ત્યાર બાદ આ ગટર વેરો લાગુ કરવામાં આવશે તો નગરજનો ભરશે જોકે આ વેરાના દરો મર્યાદામાં રાખવા જરૂરી છે.જો સાણંદની સાચી પરિસ્થિતિ ઉપલા લેવલ સુધી પહોંચે જ નહિ તો આંધળે બેરુ કુટાય જેવો ઘાટ થાય સરકાર પૈસા ફાળવ્યા કરે અને લોકોના કામ થાય નહિ અને વચેટિયા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મલાઈ ખાધા કરે . આ માટે સાણંદની જવાબદારી કોઈકે તો માથે લેવી જ પડે કહેવતા રાજકીય અગ્રણીઓ અને હાલના ચૂંટાયેલા સદસ્યો કે આગામી પાલિકાની ચૂંટણીમાં દાવેદારીની તૈયારી કરી રહેલા મહાનુભાવો કે સાણંદની સેવા સંસ્થાઓના પ્રમુખો કે જેનો ખરે ખાર ભાર પડે તેવા સાણંદના ઉદ્યોગપતિઓ , વેપારીઓ કે રાજકીય આગેવાનો ક્યાં છે ? જયારે સરકાર અને જનતા વચ્ચે ખરે ખર કડી બનવાની જરૂર છે ત્યારે આ બધા ક્યાં છે ?
સાણંદમાં છેલ્લે વેરા ઘટાડો અભિયાન વખતે પબ્લિક જાગી કારણ અશક્ય વેરા વધારાને લીધે ભોગવવાનું પબ્લિકે હતું પરંતુ હજી કોઈ રાજકીય આગેવાનો જાગતાજ નથી કારણકે એમને કાંઈ ભોગાવવાનુંજ નથી જો જનતા ચમત્કાર દેખાડે અને રાજકીય આગેવાનનોએ ભોગવવાનું આવે અને તેઓના પગ તળે રેલો આવે તોજ આવા લોકો જાગશે બાકી ગામના ગમે તેવા અહમ પ્રશ્નો હોય પબ્લિકે ચૂંટેલા કયા નેતાજી જાહેરમાં પબ્લિક પાસે આવીને ઉભા રહી બોલ્યા કે હું તમારી સાથે છું ?
