ગેપપરા / રાજશેરીના ત્રસ્ત રહીશોએ પાલિકામાં ગંદકી ઠાલવી ઉગ્ર વિરોધ કર્યો
સાણંદ શહેરમાં શુક્રવારે ગટરના પાણી ઉભરાવાની સમસ્યા મુદ્દે ગેપપરા,રાજશેરીના રહીસોએ સાણંદ નગર પાલિકામાં ગટર ઉભરાવવાની સમસ્યાનો કાયમી નિકાલ માટે ઉગ્ર રજૂઆત કરી હતી. રહીસોનો રોષ જોઈ તાત્કાલિક પાલિકાના કર્મીઓ ગટરના પાણીનો નિકાલ કરવા ખાતરી આપી હતી પરંતુ ત્રણ -ત્રણ દિવસ છતાં કામગીરી ન થતા ગેપપરા / રાજશેરીના ત્રસ્ત રહીશોએ સોમવારે સવારે પાલિકામાં ગંદકી ઠાલવી ઉગ્ર વિરોધ કર્યો હતો
સાણંદ નગર પાલિકાના વોર્ડ એકના ગેપપરા,રાજશેરી,ચુનારા વાસમાં જવાના મુખ્ય માર્ગ પર પંપિંગ સેન્ટર પાસે ઘણા વર્ષોથી અંડર ગ્રાઉન્ડ ગટરના ગંદા પાણીનો રોડ પર ભરાવો રહેતા અહિયાં ગંદકીનું સામ્રાજ્ય તાંડવ કરી રહ્યું છે. આ વિસ્તારમાં આશરે 500 પરિવાર વસવાટ કરે છે. હાલ ચોમાસામાં સ્થાનિકો ઘરની બહાર નીકળતા જ દરવાજા આગળ ગટરનું પાણી ભરાઈ રહેતા લોકોને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના રહીસો મોટી સંખ્યામાં એકત્રિત થઈ સાણંદ નગરપાલિકામાં જઈ પાલિકાના કર્મીઓને ઉગ્ર રજૂઆત કરી હલ્લાબોલ કર્યો કરી આવેદન આપ્યું હતું. રહીસોએ કહ્યું કે વર્ષોથી ગઢીયા તળાવનું પાણી આ વિસ્તારમાં બેક મારે છે અને ગટર ઉભરવાની સમસ્યા અંગે પાલિકામાં અનેક રજૂઆત કરી હોવા છતાં પણ ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું જણાવી રોષ વક્ત કર્યો હતો. અને આમ છતાં ગંદકીનો નિકાલ નહિ થતા અગાઉ ઉચ્ચારેલ ચીમકી મુજબ સોમવારે સવારે પાલિકામાં ગંદકી તેમજ કચરાનો ઢગલો ઠાલવ્યો હતો.

