આખરે અમદાવાદમાં જામ્યો મેહુલિયો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, તો એવામાં અમદાવાદના હવામાનમાં મોડી સાંજથી પલટો આવ્યો હતો. હવામાન વિભાગે કરેલી ભારે આગાહી અનુસાર શહેરમાં મેઘરાજા ધોધમાર વરસ્યો. વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારમાં પાણી ભરાયાના અહેવાલ મળ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 2 કલાક અવિરત વરસાદ વરસ્યો હતો. જેમાં ઈસનપુર, મણિનગર, કાંકરિયા, બહેરામપુરા, જમાલપુર, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
અમદાવાદના એસ.જી હાઈવે, સિંધુ ભવન રોડ, જજીસ બંગલો, બોડકદેવ, બોપલ, એલિસબ્રિજ, પાલડી, વસ્ત્રાપુર, આશ્રમ રોડ, રાણીપ, મણીનગર, શાહપુર, દરિયાપુર, લાલદરવાજા, શેલા, ઘીકાંટા, જમાલપુર, ચાંદખેડા, ચકુડિયા મહાદેવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અચાનક તૂટી પડેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. જેથી વાહન ચાલકો અટવાતા ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
