વિદેશ જવાની ઘેલછા ભારે પડી : એજન્ટે પોર્ટુગલ મોકલવાના બહાને પૈસા પડાવ્યા બાદમાં પરત માંગતા ફરાર

અમદાવાદમાં વિદેશ જવાની ઘેલછા ભારે પડી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો. ચાંદખેડામાં રહેતા જોઘાસિંગ જસલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, મારા જમાઈએ વિદેશ જવાની વાત કરી હતી. ત્યારે એક ઓળખિતા વ્યક્તિ મારફતે 2023માં અમદાવાદના મેમનગરમા રહેતા રાજેશ પટેલનો સંપર્ક થયો હતો. ત્યારબાદ અમે રાજેશ પટેલને તેમના ઘરે મળવા ગયા હતાં. તેમણે અમને કહ્યું હતું કે, પોર્ટુગલ દેશના વિઝા મળી જશે.જો તમારી ઈચ્છા હોય તો સાત લાખ રૂપિયા ખર્ચો થશે. જેમાં પાંચ લાખ રૂપિયા પહેલા આપવાના થશે અને પોર્ટુગલ પહોંચ્યા બાદ ત્યાંથી પગારમાંથી બે લાખ રૂપિયા આપવા પડશે. ત્યારબાદ અમે રાજેશ પટેલને ટોકન પેટે તેના ઘરે રોકડા 50 હજાર રૂપિયા આપ્યા હતાં.

ત્યાર બાદ તેમણે મારા જમાઈના વિવિધ ડોક્યુમેન્ટ માંગતા તેમને પુરા પાડ્યા હતાં.ઉપરાંત અમે રાજેશ પટેલને ટુકડે-ટુકડે કુલ ચાર લાખ રૂપિયા આપ્યા હતાં. ત્યારબાદ અમે તેની પાસે વિઝાની ઉઘરાણી કરતાં તેણે અમારી સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી. અમે તેની સાથે રૂબરૂ મુલાકાત કરતાં તેણે કહ્યું હતું કે, પોર્ટુગલની વ્યવસ્થા થશે નહીં, પણ અન્ય દેશમાં મોકલી આપીશ અને તેનો પણ ખર્ચ સાત લાખ રૂપિયા થશે. ત્યારબાદ અમે તેની વાતમાં સંમત થયા હતાં. તેણે જણાવ્યું હતું કે, તમારા જમાઈના વિઝા અને સ્પોન્સર લેટર આવી ગયો છે. બાદ મેં મારા જમાઈને લખનઉથી નોકરી છોડાવીને તાત્કાલિક અમદાવાદ બોલાવી દીધા હતાં.રાજેશ પટેલે અમને લેટર આપ્યો હતો. આ લેટર આપ્યાના બે દિવસ બાદ ટિકિટ અને વિઝાની વ્યવસ્થા રાજેશ પટેલે કરી આપી નહોતી. તેણે કહ્યું હતું કે, સાયપ્રસ દેશમાં કાયદાકીય પ્રક્રિયા બદલાઈ ગઈ હોવાથી તમારે રાહ જોવી પડશે. અમે તેની પાસે પૈસા પાછા માંગ્યા હતાં, ત્યારે તેણે અમારા ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતાં અને હજી સુધી તેણે પૈસા પાછા આપ્યા નથી. પોલીસે ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી.

Social