PMO અધિકારીની ઓળખ આપીને ઠગાઈ આચરતી ટોળકી હરિયાણાથી ઝડપાઈ
મોબાઈલ ટેકનોલોજીના યુગમાં સાયબર ક્રાઈમના બનાવો ખૂબ જ વધી રહ્યાં છે. સરકારી અધિકારીઓની ઓળખ આપીને લોકોને છેતરતી ગેંગો સક્રિય થઈ ગઈ છે ત્યારે PMOના ઉચ્ચ અધિકારીઓની ઓળખ આપીને છેતરપિંડી આચરનાર વધુ એક ગેંગ સામે આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાના પલવલ ખાતેથી આ મેવાતી ગેંગના 6 સભ્યોની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીઓ મેવાતી ગેંગના સભ્યો છે, જે હરિયાણા ખાતે રહે છે. આ ગેંગના સભ્યો PMOના ઉચ્ચ અધિકારીઓ તરીકેની ઓળખ આપીને ભાજપના કાર્યકર્તાઓને ફોન કરે છે. તેઓ વોટ્સએપ કોલ અને મેસેજથી પ્રોજેક્ટના ફોટો મોકલતા હતાં અને કહેતા હતાં કે, વડાપ્રધાને તમારી કામગીરીથી ખુશ થઈને કહ્યું છે કે, રાજસ્થાનના માજી મુખ્યમંત્રી જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, તે જયપુર હાઇ-વે પરના ફાર્મ હાઉસ પ્રોજેકટમાં નાણાકીય રોકાણ કરવા માટે જણાવે છે. તે ઉપરાંત તે એવું કહે છે કે, આમ તો આ પ્રોજેક્ટ 4 કરોડથી વધુનો છે પણ આપને અત્યારે 12 લાખ સુધીનું રોકાણ કરવાનું છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે નંબર પરથી કોલ આવ્યો હતો એ નંબરનું ટેકનિકલ એનાલિસિસ કરતા જાણવા મળ્યું કે, આ કોલ હરિયાણાના પલવલ જિલ્લાથી આવેલો છે અને મોહમંદ જહાન નામના વ્યક્તિ અને તેના સાગરીતોએ આ કામ કર્યું છે. માહિતી મળતા તુરંત જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ અંગે કાર્યવાહી હાથ ધરી અને આમાં સામેલ ભરતસિંહ જાંટવ, ઈર્શાદખાન મેવ, ઈર્શાદ મેવ, સાબિર મેવ, રાકીબ મેવ અને મોહમંદજહાન મેવની ધરપકડ કરી હતી. આ આરોપીઓ સામે અમદાવાદ અને બનાસકાંઠામાં બે ગુના નોંધાયા છે અને સાથે-સાથે હરિયાણા ખાતે પણ તેમની સામે છેતરપિંડીને લઈને ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
