ઇસનપુરમાં કપડા સુકાવવાની બાબતમાં પાડોશી ત્રણ શખ્સોએ પરિવાર પર પાઇપ અને છરીથી હુમલો કર્યો

ઇસનપુરમાં કપડા સુકાવવાની બાબતમાં પાડોશી પિતા અને બે પુત્રોએ પરિવાર પર પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં રસ્તામાં કપડા સૂકવતા હોવાથી આવતા જતા લોકો પર પડતા વારંવાર કહેવા છતા માનતા ન હતા. આ અંગે પરિવારે ત્રણેય પાડોશી પિતા-પુત્રો સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

ઇસનપુરમાં રહેતા મેહમુદભાઇ અંસારી મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેમના પાડોશમાં રહેતા અઝરભાઇ તેમના ઘરના કપડા આવવા જવાના રસ્તા પર સૂકવતા હતા. જેથી આવતા જતા લોકો પડતા હતા ત્યારે લોકોએ તેમને કહ્યુ હોવા છતા માનતા ન હતા. ગત 26 જુલાઇએ મેહમુદભાઇએ તેમને બોલાવી સમજાવવા જતા અઝર અને તેના બે પુત્રો એજુ તેમજ કાદિરે ઉશ્કેરાઇને બિભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. આટલું જ નહિ પાઇપથી માર માર્યો હતો. ત્યારે મેહમુદભાઇની બહેન પરવીનબાનુ વચ્ચે પડીને છોડાવવા જતા છરી વડે હુમલો કર્યો હતો. તેમજ આસપાસના અને પરિવારજનો પણ વચ્ચે પડતા ત્રણેય શખ્સોએ તેમને પણ માર માર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના વધુ લોકો ભેગા થતા ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. તેમજ ઇજાગ્રસ્ત મેહમુદ અને તેમની બહેનને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે મેહમુદભાઇએ ત્રણેય શખ્સો સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Social