રામોલમાં શિક્ષિકાને રસ્તામાં રોકીને પૂર્વ મિત્રે રસ્તામાં રોકીને ફટકારી એસિડ એટેકની ધમકી આપી

રામોલમાં શિક્ષિકાના છુટાછેડા થતા સ્કુલ સમયના મિત્રે તેને રસ્તામાં ઉભી રાખીને હવે તારા છુટાછેડા થઇ ગયા છે તો મારી સાથે રહેવા આવી જા કહ્યુ હતુ. પરંતુ શિક્ષિકાએ ના પાડતા મિત્રે ફટકારીને બીજા લગ્ન કરીશ તો એસિડ ફેકીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયો હતો. આ અંગે શિક્ષિકાએ પૂર્વ મિત્ર સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

સીટીએમ પાસે રહેતી 32 વર્ષીય મહિલા ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. જેમાં મહિલા સ્કુલમાં ઘોરણ 12માં અભ્યાસ કરતી હતી તે સમયે સ્કુલમાં રાકેશ ગુર્જર પણ ત્યાં ભણતો હતો. જેથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને મળતા હતા. બાદમાં વર્ષ 2011માં રાકેશ મહિલાને ફરવા લઇ ગયો હતો. ત્યારે બાઇક સ્લીપ થતા બંને પડ્યા હતા. જેમાં મહિલાને ઇજાઓ થતા સારવારઅર્થે દવાખાને લઇ જવામાં આવી હતી. બંને વચ્ચેના સંબંધની મહિલાના પરિવારજનોને જાણ થતા મહિલાએ રાકેશ સંબંધ તોડી નાખ્યા હતા. જે બાદ મહિલાના વર્ષ 2017માં દિનેશ યાદવ સાથે લગ્ન થયા હતા. પરંતુ મનમેળ ન આવતા વર્ષ 2022માં છુટાછેડા લીધા હતા. ગત 26 જુલાઇ બપોરના સમયે શિક્ષિકા સ્કુલેથી ઘરે જતી હતી ત્યારે સીટીએમ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે રિક્ષાની રાહ જોતી હતી. તે સમયે રાકેશ તેની પાસે આવ્યો હતો અને તારા હવે છુટાછેડા થઇ ગયા છે તો મારી સાથે રહેવા આવી જા તેમ કહ્યુ હતુ. પરંતુ મહિલાએ ના પાડતા રાકેશે ઉશ્કેરાઇને ફટકારીને બીજા સાથે લગ્ન કરીશ તો તારી પર એસિડ નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયો હતો. જે બાદ ગભરાઇને મહિલા ઘરે જતી રહી હતી. આ અંગે મહિલાએ રાકેશ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Social