વટવામાંથી 1.48 લાખનો MD ડ્રગ્સનો જથ્થો પકડાયો, એકની ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ એસઓજી કચેરી ખાતે હાજર હતાં તે સમયે ખાનગી બાતમી મળી હતી કે, શાહનવાજ નામનો શખસ વટવા ખાતેના અલીફનગર ખાતે ડ્રગ્સનો જથ્થો વેચવા માટે જવાનો છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવવાનું શરૂ કર્યું હતું. અલીફનગરના નાકે પોલીસ ગોઠવાઈ ગઈ હતી. ત્યારે બાતમીમાં વર્ણન કરવામાં આવ્યું હતું તે પ્રકારનો શખસ આવ્યો હતો અને તેને કોર્ડન કરી લઈને તપાસ હાથ ધરાઈ હતી.પોલીસે તેનું નામ પૂછતાં તેણે શાહનવાજ મકબૂલ અહેમદ શેખ જણાવ્યું હતું અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું પણ કહ્યું હતું. પોલીસે તેની તપાસ લેતા મોબાઈલ, રોકડા રૂપિયા અને બે પ્લાસ્ટિકની બેગ પકડાઈ હતી. આ બેગમાં સફેદ કલરનો પાવડર હતો. પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો તેવો સવાલ કરતાં તેણે જણાવ્યું હતું કે, વટવામાં રહેતા સરફરાજખાન કુદરતખાન પઠાણ પાસેથી લાવ્યો હતો અને તેનું છૂટક વેચાણ કરવાનું હતું. પોલીસે તેની પાસેથી 14.800 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. કુલ 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી કરી છે. તેમજ સરફરાઝખાનને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
