કલોલ ઉત્તર ગુજરાત વિદ્યુત બોર્ડના કર્મચારીની ખોટી ઓળખાણ આપી મહિલા સાથે 30 હજારની છેતરપિંડી
કલોલમાં શ્રીનગર સોસાયટી સ્વામિનારાયણ મંદિર બાજુમાં મહિલાના ઘરે કલોલ ઉત્તર ગુજરાત વિધુત બોર્ડના કર્મચારી તરીકે વિપુલ ભટ્ટ નામથી ખોટી ઓળખાણ આપી મહિલા તેમજ તેના પતિને વિશ્વાસમાં લઈ તથા તેમના પુત્ર સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી 30 હજારની રકમ પડાવતા કલોલ શહેર પોલીસ સ્ટેશનએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.અને પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અનન્યા વિરલ નીલકમલ નાયકે કલોલ શહેર પોલીસ સ્ટેશન નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ શ્રીનગર સોસાયટી સ્વામિનારાયણ મંદિરની બાજુમાં કલોલ ખાતે રહે છે. અને તેઓ ઘર કામ કરે છે. ગઈકાલે તેઓ તથા તેમનો દીકરો નિલોય તથા તેમના પતિ વિરલ નીલકમલ નાયક ઘરે હાજર હતા,ત્યારે એક માણસ તેમના ઘરે આવેલ અને જણાવ્યું કે હું કલોલ ઉત્તર ગુજરાત વિદ્યુત બોર્ડમાંથી આવું છું. મારું નામ વિપુલ ભટ્ટ છે. તમે અગાઉ મીટર બદલવા માટે અરજી આપેલ હતી. જેથી મીટર અને લાઈન કનેક્શન જોવા આવેલ છે. જેથી તેઓ વિશ્વાસમાં આવી ગયા ત્યારબાદ તે માણસે તેમના ઘરમાં વાયર ફીટીંગ તથા મીટર ચેક કરી તેમને જણાવ્યું કે તમારે 28,000 જેટલો ખર્ચો થશે. હું વર્કર્સને બોલાવું છું. તમે પૈસાની સગવડ કરો અને વાયર ફીટીંગ કરવા મીટરનો સામાન લાવવાનો છે જેથી તેઓ તેમના દીકરાને તેમની એક્ટિવા લઈને એટીએમ માંથી રૂપિયા ઉપાડવા લાવવાનું કહેલ. આથી આ શખ્સ પણ સાથે ગયેલ અને એટીએમ માંથી 30 હજાર ઉપાડી બહાર આવતા આ શખ્સે કહેલ કે લાઈટ બિલ તથા આધાર કાર્ડ તારા પિતાનું લઈને આવ.આમ કહેતા તેમનો પુત્ર ઘરેથી લાઈટ બિલ તેમજ આધાર કાર્ડ લઈને ગયેલ તો એ શખ્સ 30 હજાર રૂપિયા લઈને રફુચક્કર થઇ ગયો હતો. આથી વિપુલ ભટ્ટ નામની ખોટી ઓળખાણ આપી તેમની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરતા મહિલાએ કલોલ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. આ અંગે મહિલાની ફરિયાદ લઈ કલોલ પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
