મોબાઇલ ટાવરમાં મેન્ટેનન્સનાં બહાને 4G નેટવર્ક સિસ્ટમનાં પાર્ટસ ચોરીનાં ગુનાને અંજામ આપનાર ત્રણ પૈકી બે ઝડપાયા
ગાંધીનગરના ડભોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ મોબાઇલ ટાવરમાંથી 4G નેટવર્ક સિસ્ટમના પાર્ટસ ચોરી થયાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જે અન્વયે એલસીબી પીઆઈ ડી બી વાળાની ટીમે અત્રેના વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી દઈ બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. ત્યારે મોબાઇલ ટાવરમાં મેન્ટેનન્સનાં બહાને 4G નેટવર્ક સિસ્ટમનાં પાર્ટસ ચોરીનાં ગુનાને અંજામ આપનાર ત્રણ પૈકી બે 60 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા છે
બાતમી મળી હતી કે, નાના ચિલોડાથી મોટા ચિલોડા તરફ જતા નેશનલ હાઇવે ઉપર આવેલ કરાઇ નર્મદા કેનાલના બ્રીજ નજીક ઉપરોક્ત ચોરીના ગુનાને અંજામ આપનાર ઈસમો ફરી રહ્યા છે. જે હકીકતના આધારે એલસીબીએ ઉત્તમ કેશરાજ શર્મા તથા મોહમ્મદ આરીફ મોહમ્મદ આલમ રાણા (બન્ને રહે રહે. મ.નં ઇ/24, ન્યુ શ્રીનાથ એપાર્ટમેન્ટ, બુટ ભવાની, વેજલપુર અમદાવાદ મુળ રહે. જાખડ ગામ, કટારા ગામની પાસે, થાના ગરોટા તા.જી.જમ્મુ. જમ્મુ એન્ડ કાશ્મીર) ને ઉઠાવી લીધા હતા. જેઓની પાસેથી સફેદ કલરના 4 G સીસ્ટમના સ્પેર પાર્ટ (મોડ્યુલર) નંગ – 2 કિ.રૂા.60 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આથી પોલીસે કડકાઈથી પૂછતાંછ કરતાં શહેઝાદ (રહે. દિલ્લી) સાથે મળીને ઉપરોક્ત ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તમ શર્મા એરટેલ કંપનીમાં નોકરી કરતો હોવાથી મોબાઇલ ટાવરની સિસ્ટમથી વાકેફ હતો. જેનાં પગલે બંને સાગરિતો સાથે મળીને મેઈન્ટેનન્સ કરવાના બહાને ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસની વધુ તપાસમાં બહાર આવ્યું છે.
