દહેગામ તાલુકા પૂર્વ BJP પ્રમુખ પર કરાયો જીવલેણ હુમલો : ત્રણ વાહનોમાં પણ તોડફોડ, બેને ઇજા
દહેગામ તાલુકા પૂર્વ BJP પ્રમુખ મનુભાઈ બારોટ પર તેમના ગામ બારોટના મોસમપુરા ગામે જીવલેણ હુમલો કરાયો છે. સાથે ત્રણ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવતા બેને ઇજા પહોંચી છે. સરપંચની ચૂંટણીની જૂની અદાવતમાં બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. તેમજ આરોપીએ કાર ચઢાવી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવની ગંભીરતા જોતા દહેગામ પોલીસ દોડતી થઇ ગઈ હતી. દહેગામ પોલીસે હુમલો કરનાર બે સામે પોલીસ ફરિયાદ નોંધી એકને ઝડપી લીધો છે અને અન્ય એક વોંટેડ આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. તો ઈજાગ્રસ્ત મનુભાઈ બારોટ ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારોટના મોસમપુરા ગામના વિભુતીબેન ધર્મેન્દ્રકુમાર મનુભાઈ બારોટ એ ગામના બંને આરોપી ભૂમિતભાઈ ભીખાભાઈ બારોટ તથા ભીખાભાઈ મણીભાઈ બારોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે આ આરોપીઓએ મહિલાના સસરા મનુભાઈ બારોટ ને “તુ મોટો ગામનો આગેવાન થઈ ગયેલ છે.અને ગામમાં સરપંચની ચુંટણી થવા દેતો નથી અને સમરસ સરપંચ બનાવે છે” તેમ કહી ગાળો બોલી આરોપી ભૂમિતભાઈએ તેઓની સ્વીફ્ટ ગાડી નં-જીજે-૧૮-બી.એમ-૯૫૨૦ ની મારી નાખવાના ઈરાદે ચલાવી લાવી મહિલાના સસરા મનુભાઈ તથા અંકિતભાઈ ગોવિંદભાઈ બારોટ ઉપર ચડાવી દઈ અડફેટમાં લઈ નીચે પાડી દીધા હતા. તેમજ મહિલાના સસરા મનુભાઈને માથામાં પાછળના ભાગે ફ્રેક્ચર કરી તેમજ માથામાં ગંભીર ઈજાઓ કરી અંકિતભાઈને શરીરે ઈજાઓ કરી તેમજ તેઓની સ્વીફ્ટ ગાડી નં-જીજે-૧૮-બી.એસ-૨૪૪૯ તથા ગાડી નં-જીજે-૦૧-એચ.કે-૫૨૦૭ તથા એક્ટીવાને અથડાવી નુકશાન કર્યું હતું. તેમજ આ આરોપીઓએ એક બીજાની મદદગારી કરી ગાળો બોલી તેઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા દહેગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. અને હુમલો કરનાર બે સામે ગુનો નોંધી એકને ઝડપી લીધો હતો અને અન્ય એક વોંટેડ આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. તો મનુભાઈને હેમરેજ હોવાથી ગાંધીનગર સારવાર હેઠળ છે. મામલાની ગંભીતા જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
