ફ્લેટના પાર્કિંગમાં કારમાંથી 51 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો, વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો
ગાંધીનગરના વાવોલના એક ફ્લેટના પાર્કિંગમાં કારમાંથી 51 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો છે. ઈકો કારમાંથી 51 હજાર 460ની કિંમતનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરી વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ સેકટર - 7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, વાવોલ ગામમાં આવેલ શિવેશ – 195 ફ્લેટમાં જી બ્લોક, મકાન નં – 201 માં રહેતો બુટલેગર ધર્મપાલસિંહ જયદિપસિંહ સોલંકી ફ્લેટના પાર્કિંગમાં ઈકો ગાડીમાં દારૂનો જથ્થો સંતાડીને વેપલો કરી રહ્યો છે. જે હકીકતના આધારે એલસીબીની ટીમે ઉપરોક્ત સ્થળે ત્રાટકી હતી.જ્યાં બાતમી મુજબની ઈકો ગાડી લોક મારેલી હાલતમાં મળી આવી હતી. બાદમાં એલસીબીએ કારમાં ડોકાંચીયુ કરીને જોતા અંદર વિદેશી દારૂની પેટીઓ જોવા મળી હતી. બાદમાં પોલીસ બુટલેગરનાં ઘરે પહોંચી હતી. અહીં એક ઈસમ મળી આવ્યો હતો. જેની પુછતાછ કરતા જાણવા મળ્યું હતું કે, બુટલેગર ધર્મપાલસિંહ બીજી ઓગસ્ટના રોજ બહારગામ જવાનું કહીને ક્યાંય જતો રહ્યો છે.
તેમજ ઈકો ગાડીને એલસીબી કચેરી લઈ જવાઈ હતી. જ્યાં દારૂની ગણતરી કરતા 51 હજાર 406 ની કિંમતનો દારૃ – બિયરનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે એલસીબીએ રૂ. 1.51 લાખનો મુદામાલ જપ્ત કરી બુટલેગર વિરુદ્ધ સેકટર – 7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
